ટોકિયો પેરાલિમ્પક્સમાં ભારતનું પ્રદર્શન આ વખતે શાનદાર રહ્યું છે અને અનેક ખેલાડીઓએ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. એની સાથે જ નોઇડાના ગૌતમબુધ્ધ નગરના જિલ્લા અધિકારી સુહાસ એલ યાથિરાજએ પણ પેરાલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે.
સુહાસે બેંડમિન્ટનમાં પુરષોની SL4 વર્ગની સિંગલ્સમાં ઇન્ડોનેશિયાના સેતિવાન ફ્રેડીને 21-19 અને 21-15થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે.એની સાથે જ સુહાસ દેશના પહેલાં એવા અધિકારી બની ગયા છે, જેમણે પેરાલિમ્પિક્સમાં મેડલ જીત્યો હોય.
દિવ્યાંગ સુહાસે ફાઇનલમાં પહોંચીને દેશને તો ગૌરવ અપાવ્યું જ છે, પણ સાથોસાથ એવા ઉગતા રમતવીરો અને લાખો યુવાનોને પ્રેરણા પુરી પાડવાનું કામ પણ કર્યું છે. દિવ્યાંગ હોવાને કારણે નિરાશ થવાની જરૂર નથી સુહાસની જેમ તમે પણ મહેનત કરીને આગળ વધી શકો છો.ટોકિયો પેરાલિમ્પિક્સની બેંડમિન્ટન સ્પર્ધાની ફાઇનલમાં સુહાસનો ટકરાવ ફ્રાન્સના લુકાસ માજૂર સાથે થશે.
તમને જાણીને નવાઇ લાગશે કે સુહાસ દેશના પહેલા એવા સરકારી અધિકારી હશે જેમણે પેરાલિમ્પિકમાં ભાગ લીધો હોય. બીજું કે પહેલીવાર પેરાલિમ્પિકમાં બેંડમિન્ટને સામેલ કરાયું છે અને ત્રીજું કે પહેલીવાર પેરાલિમ્પકમાં ફાઇનલ સુધી પહોંચનાર સુહાસ પહેલા અધિકારી બનવાનો ઇતિહાસ રચશે.
નોઇડાના જિલ્લાધિકારી સુહાસે આ પહેલાં યુગાન્ડા પેરા બેડમિન્ટનની ટૂર્નામેન્ટમાં ભારતને બ્રોન્જ મેડલ અપાવ્યો હતો. તુર્કી ઇન્ટરનેશનલ બેંડમિન્ટન ટૂર્નામેન્ટનો ખિતાબ પણ સુહાસે જીત્યો છે. હાલમાં વર્લ્ડ બેંડમિન્ટન રેકિંગમાં સુહાસ ત્રીજા નંબર પર છે.
સુહાસનો જન્મ કર્ણાટકના શિમોગામાં થયો હતો. જન્મથી જ સુહાસને પગમાં ખોડ હતી. પણ કહે છે કે ને કુદરત ખામી આપે તો સાથે ખુબી પણ આપતી હોય છે. સુહાસને આમ તો IAS અધિકારી બનવું નહોતું કારણ કે તેની રુચી પહેલેથી સ્પોર્ટ્સમાં જ હતી. પણ IAS ઓફિસર બન્યા અને હાલમાં નોઇડાના ગૌતમ બુધ્ધ નગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા બજાવે છે.