ભારતમાં જન્મેલા આ ખેલાડીએ 6 બોલમાં 6 છગ્ગા જડ્યા, વન-ડેમાં ગિબ્સ પછી બીજો ખેલાડી

Sports

ભારતીય મૂળના અમેરિકન ક્રિકેટર જસકરન મલ્હોત્રાએ ઈતિહાસ રચ્યો છે. ચંડીગઢમાં જન્મેલા જસકરને ગુરુવારે પાપુઆ ન્યૂ ગિની સામે સીરિઝની બીજી વનડેમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા. જસકરને મેચની 50 ઓવરમાં મીડિયમ પેસર ગૌડી ટોકાની આખી ઓવરમાં 6 છગ્ગા જડી દીધા હતા.

31 વર્ષના જસકરને 124 બોલમાં 16 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 173 રનોની અણનમ ઈનિંગ રમી. આ વનડે ઈન્ટરનેશનલમાં કોઇપણ અમેરિકન બેટ્સમેનની પહેલી સદી છે. આ પહેલા 2019માં લોરેન જોન્સ યૂએઈ સામે 95 રન બનાવ્યા હતા. સાથે જ જસકરને એક જ ઈનિંગમાં સૌથી વધારે છગ્ગા લગાવવાના મામલામાં સંયુક્ત રીતે બીજા નંબર પર પહોંચી ગયો. એક જ મેચમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ ઈયોન મોર્ગનના નામે છે. મોર્ગને અફઘાનિસ્તાન સામે 2019ના વર્લ્ડ કપમાં 17 છગ્ગા ફટકાર્યા હતા.

જસકરન આ ઉપાધિ હાંસલ કરનારો વનડે ઈન્ટરનેશનલના ઈતિહાસમાં બીજો બેટ્સમેન બન્યો. સાઉથ આફ્રિકાના હર્શલ ગિબ્સે 2007ના વનડે વર્લ્ડ કપમાં એક ઓવરમાં 36 રન બનાવીને સૌથી પહેલા ઉપાધિ હાંસલ કરી હતી. ગિબ્સે નેધરલેન્ડના બોલર ડેન વૈન બંજની ઓવરમાં આ કારનામો કરી દેખાડ્યો હતો.

જસકરન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 છગ્ગા લગાવવામાં ઓવરઓલ ચોથો બેટ્સમેન છે. યુવરાજ સિંહે 2007ના ટી20 વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામે એક ઓવરમાં 6 છગ્ગા જડ્યા હતા. સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં યુવરાજે આ કરી દેખાડ્યું હતું. વેસ્ટઈન્ડિઝના કેપ્ટન કીરોન પોલાર્ડે પણ આ વર્ષે જ શ્રીલંકા સામેની ટી20 મેચમાં આ કમાલ કરી બતાવી હતી.

મેચની વાત કરીએ તો મસ્કટમાં રમાયેલી આ મેચમાં USAએ ટોસ હારતા પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ પર 271 રન બનાવ્યા. જસકરનને છોડીને આખી ટીમના 8 ખેલાડી બે આંકાડાને પણ પાર કરી શક્યા નહીં. જવાબમાં પાપુઆ ન્યૂ ગિનીની આખી ટીમ 137 રને ઓલઆઉટ થઇ ગઇ. આ રીતે અમેરિકાએ 134 રનોથી મેચ પોતાના નામે કરી લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *