ટીમ ઇન્ડિયાના યુવાન ખેલાડી બેટ્સમેન ઈશાન કિશને પોતાની વનડે ડેબ્યુ મેચ ને યાદગાર બનાવી દીધી છે. શ્રીલંકા વિરુદ્ધ ની વનડે સિરીઝ ની પહેલી મેચ માં પોતાના વનડે કરિયર ની શરૂઆત કરનારા ઈશાન કિશને શાનદાર અર્ધ શતક પુરી કર્યું હતું. ખાસ એ વાત છે કે તેને પોતાના ૨૩માં જન્મ દિવસે અને વનડે ડેબ્યુ ને યાદગાર બનાવી દીધી હતી. ટીમ ઇન્ડિયા એ શ્રીલંકા ને ૭ વિકેટ થી પરાજય આપી સિરીઝ માં ૧ – ૦ થી બઢત મેળવી લીધી છે.
ઈશાન કિશને ક્રિઝ પર આવતાની સાથે જ પહેલી બોલ પર સિક્સ ફટકાર્યો હતો. તેણે છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ધનંજય ડી સિલ્વાના માથા ઉપરથી હવાઈ શોટ રમ્યો હતો, જે ગ્રાઉન્ડની બહાર પહોંચ્યો હતો. ઈશાન કિશને તેના પછી પણ શોટ રમવાના ચાલુ રાખ્યા હતા. તેણે ૩૩ બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી લીધી હતી. જે કૃણાલ પંડ્યાની ડેબ્યૂ મેચમાં ૨૬ બોલમાં કરેલી હાફ સેન્ચુરી પછીની બીજી સૌથી ઝડપી હાફ સેન્ચુરી છે.
ઈશાન કિશન ૪૨ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી ૫૯ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. ઈશાન કિશન પોતાના જન્મદિવસે ડબ્યૂ કરનારો બીજો ભારતીય ક્રિકેટર છે. ઈશાન કિશન પહેલા ગુરશરણ સિંહ એકમાત્ર ખેલાડી હતો, જેણે પોતાના જન્મ દિવસે ડેબ્યૂ કર્યો હતો. તેણે ૮ માર્ચ ૧૯૯૦ ના હેમિલ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પહેલા શ્રીલંકાઈ ટીમે ભારતને જીત માટે 263 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમે જવાબમાં તોફાની શરૂઆત કરી હતી. મેદાન પર ઉતરતાની સાથે જ પૃથ્વી શોએ ચોગ્ગાનો વરસાદ કર્યો હતો.
તેણે માત્ર ૨૪ બોલમાં ૭ ચોગ્ગાની મદદથી ૪૩ રન બનાવી લીધા હતા. શો સિવાય ટીમના કેપ્ટન શિખર ધવને નોટઆઉટ રહીને ૮૬ રનની ઈનિંગ રમી હતી. ઈશાન કિશન, શિખર ધવન અને પૃથ્વી શોના કારણે ભારતે 263 રનનો લક્ષ્યાંક ૩૬.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. હાલમાં ભારતની યુવા ખેલાડીઓની ટીમ શ્રીલંકાના પ્રવાસે છે, જ્યારે બીજી ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં છે.