ઈઝરાયલના શોધકર્તાઓએ એક ખૂબ જ રસપ્રદ શોધ કરી છે. અહીં એક એવો પથ્થર મળી આવ્યો છે, જે 2700 વર્ષ જૂનો છે. એટલું જ નહીં, આ પથ્થરનો ઉપયોગ તે સમયે પૂર્વજોએ ટોયલેટના રૂપમાં કર્યો હતો. એવુ જણાવવામાં આવી રહ્યું છે કે, આ પથ્થર પૂર્વજોનું એક લક્ઝરી ટોયલેટ હતું. ઈઝરાયલી પુરાતત્વના અધિકારીઓએ મંગળવારે આ પથ્થર અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ ઘટના ઈઝરાયલના યરુશલેમની છે. માહિતી અનુસાર, શાનદાર ડિઝાઈનવાળું આ ટોયલેટ એક આયતાકાર કક્ષમાં મળી આવ્યું હતું. ટોયલેટને એ રીતે બનાવવામાં આવ્યું હતું, જે બેસવામાં ખૂબ જ આરામદાયક હોય. એટલું જ નહીં, રસપ્રદ વાત એ છે કે, તેની નીચે જમીનમાં ઊંડી સેપ્ટિંક ટેન્ક બનાવવામાં આવી હતી. આ સાથે જ આસપાસ અન્ય ઘણી વસ્તુઓની જાણકારી સામે આવી છે.
ઈઝરાયલના સરકારી વિભાગે જણાવ્યું છે કે, પથ્થરમાંથી બનેલા આ ટોયલેટમાં એક હોલ છે અને પાછળ ટેકો લેવા માટે અન્ય પથ્થરનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તત્કાલીન સમયમાં આ ટોયલેટ વિલાસિતાનું પ્રતીક હતું. અધિકારીઓએ એ પણ જણાવ્યું કે, પ્રાચીન સમયમાં પ્રાઈવેટ ટોયલેટ ખૂબ જ દુર્લભ હતા. હજુ સુધી માત્ર થોડાં જ આવા ટોયલેટ મળી આવ્યા છે. તે સમયે માત્ર ધનવાન લોકો જ આવા ટોયલેટ બનાવવામાં સક્ષમ હતા.
કેટલીક માહિતીમાં એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે, આસપાસની જગ્યાઓ પર બાગ અને જળીય છોડ હોવાના પણ પ્રમાણ મળ્યા છે. મળી આવેલી સેપ્ટિક ટેન્કમાંથી મળી આવેલા પ્રાણીઓના હાડકાંઓ અને માટીના વાણસો તે સમયમાં રહેતા લોકોની જીવનશૈલી અને આહારની સાથોસાથ પ્રાચીન બીમારીઓ વિશે પણ ઘણી બધી જાણકારી આપી શકે છે.
આ સમગ્ર કાર્યક્રમમાં ખોદકામના નિદેશક રહેલા યાકોવ બિલિગે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયમાં પ્રાઈવેટ ટોયલેટ મળવા એ ખૂબ જ દુર્લભ વાત હતી. એવામાં આ ટોયલેટ મળવું ખૂબ જ રસપ્રદ છે. હાલ, ઈઝરાયલના સંબંધિત સરકારી વિભાગ આ કામમાં લાગેલુ છે અને શોધકર્તાઓ ઘણા પ્રકારની તપાસો કરી રહ્યા છે અને આ અંગે વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર રહ્યા છે.