કાનપુરમાં શનિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ થઈને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર કાનપુરના કોરથાના કેટલાક લોકો ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તમામ શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર-ટ્રોલીમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
દુર્ઘટનાની નોંધ લેતા સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાનપુર દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.