ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં હવે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. મેડિકલ ટીમે તેને ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાની મંજૂરી આપી દીધી છે. પહેલા આ જવાબદારી શિખર ધવનને આપવામાં આવી હતી. હવે, તે ઓપનર અને વાઈસ કેપ્ટન તરીકે સેવા આપશે. બીસીસીઆઈએ ગુરુવારે મોડી સાંજે આ જાણકારી આપી હતી. બોર્ડ તરફથી સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ‘કેએલ રાહુલનું આંકલન કરાયું અને તેને ઝિમ્બાબ્વેમાં આગામી ત્રણ મેચોની એક દિવસીય શ્રેણીમાં રમવાની મંજૂરી આપવામાં આવે છે. પસંદગી સમિતિએ તેને ટીમના કેપ્ટન બનાવ્યા છે. હવે શિખર ધવન વાઈસ કેપ્ટન હશે.’
હર્નિયાના ઓપરેશન બાદ રાહુલ આરામ કરી રહ્યો હતો. તે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં રમવાનો હતો, પરંતુ કોરોનાને કારણે તે રમી શક્યો નહોતો. રાહુલને શરૂઆતમાં ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો કારણ કે તે સ્વસ્થ થવામાં સમય લઈ રહ્યો હતો. તેને ફિટ થવા માટે સમય આપવામાં આવ્યો હતો જેથી તે એશિયા કપ સુધી સંપૂર્ણ રીતે ફિટ રહી શકે. જો કે, મેડિકલ ટીમે હવે રાહુલને પસંદગીના માપદંડો ઓળંગીને ફિટ જાહેર કર્યો છે.
લોકેશ રાહુલ તમામ ફોર્મેટમાં સુકાની રોહિત શર્માની સાથે વાઇસ-કેપ્ટન માટે પ્રથમ પસંદગી છે, તેથી ધવનને તેની ઉપલબ્ધતાના આધારે આ શ્રેણી માટે ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમમાં રાહુલના સમાવેશથી ટીમના સભ્યોની કુલ સંખ્યા 16 થઈ જાય છે કારણ કે પસંદગીકારોએ તેની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીને સામેલ કર્યા નથી, પરંતુ રાહુલની હાજરીનો અર્થ એ છે કે ઋતુરાજ ગાયકવાડને તક મળી શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રેયસ અય્યર, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. બુમરાહ પીઠની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં પણ ભાગ લેશે નહીં.
ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 18 ઓગસ્ટથી શરૂ થશે. બીજી અને ત્રીજી મેચ 20 અને 22 તારીખે રમાશે. આ મેચ ICC વન ડે સુપર લીગનો ભાગ હશે. ઝિમ્બાબ્વે માટે આ સિરીઝ નિર્ણાયક બની રહેશે કારણ કે તેના પોઈન્ટ આવતા વર્ષના વર્લ્ડ કપ ક્વોલિફિકેશનમાં ગણવામાં આવશે.
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટમેન), સંજુ સેમસન (વિકેટમેન), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.