ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં ૫ ટેસ્ટ મેચોની સીરિઝ ચાલી રહી છે. સીરિઝ બંને ટીમો વચ્ચે 1-1થી બરાબર છે. ૫ ઓગસ્ટથી શરૂઆત થયેલી ટેસ્ટ સીરિઝમાં વરસાદના કારણે પહેલી મેચ ડ્રો રહી તો ૧૨ ઓગસ્ટથી શરૂઆત થયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે ૧૫૧ રનની મેચ જીતીને સીરિઝમાં ૧-૦ થી લીડ મેળવી લીધી હતી ત્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચ કે જે ૨૫ ઓગસ્ટથી શરૂઆત થઈ હતી તેમાં ઇંગ્લેન્ડની ટીમે એક ઇનિંગ અને ૭૬ રનથી મેચ જીતીને ટેસ્ટ સીરિઝમાં ૧-૧ થી બરાબરી કરી લીધી છે.
ચોથી ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને ઇંગ્લેન્ડની ટીમને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ભારતીય ટીમ ભલે ત્રીજી ટેસ્ટમાં હારી ગઈ હોય પરંતુ એ ભૂલવું ન જોઈએ કે ભારતીય ટીમે આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૩૬ રન પર ઓલઆઉટ થઈને પણ સીરિઝ પર જીત મેળવી હતી. નાસિર હુસેને ટેલિગ્રાફના સંદર્ભે લખ્યું કે યાદ રહે કે એ એડિલેડના મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૩૬ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે શાનદાર પ્રદર્શન કરતા સીરિઝ પર પોતાનો કબજો કર્યો હતો.
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને પોતાના ખેલાડીઓને ચેતવણી આપતા લખ્યું કે ભારતીય ટીમમાં એ ક્ષમતા છે કે ભલે તેમના ખેલાડી શાનદાર ફોર્મમાં ન હોય એ છતા ટીમ જબરદસ્ત વાપસી કરી શકે છે. લીડ્સ ટેસ્ટ બાબતે વાત કરતા નાસિર હુસેને લખ્યું કે ઈંગ્લેન્ડના બોલરોએ આ મેચમાં સ્વિંગ બૉલિંગનો શાનદાર નમૂનો રજૂ કર્યો હતો પરંતુ ભારતના બોલર એમ ન કરી શક્યા. ભારતીય ટીમને લીડ્સ ટેસ્ટમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો . આ મેચમાં ભારતીય ટીમની બેટિંગમાં થોડો અભાવ નજરે પડ્યો.
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ નિર્ણય ભારતીય ટીમની વિરુદ્ધ ગયો. ભારતનો કોઈ પણ ખેલાડી પહેલી ઇનિંગમાં ૨૦ રનથી વધારે કરી ન શક્યો. પહેલી ઇનિંગમાં રોહિત શર્માએ સૌથી વધારે 19 રન બનાવ્યા એ સિવાય ઉપકેપ્ટન અજિંક્ય રહાણેએ ૧૮ રન બનાવ્યા. બાકી બીજા ખેલાડી ડબલનો આંકડો પણ સ્પર્શી શક્યા નહોતા. આ રીતે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર ૭૮ રન પર ઓલઆઉટ થઈ ગઈ, તો એ જ પીચ પર ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં ૪૩૨ રનનો વિશાળ સ્કરો બનાવી નાખ્યો. આમ ઈંગ્લેન્ડને ૩૫૪ રનની લીડ મળી અને તેના જવાબમાં ભારતીય ટીમ ૨૭૮ પર ઓલઆઉટ થઈ જતા ઇંગ્લેન્ડે આ મેચ એક ઇનિંગ અને ૭૬ રનથી જીતીને સીરિઝ ૧-૧ થી બરાબર કરી નાખી.