મહારાષ્ટ્રના થાણે નગર નિગમની મજીવાડા-મનપાડા વૉર્ડ કમિટીની સહાયક કલ્પિતા પિંપલ પર સોમવારે કેટલાક લારીવાળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એના ડાબા હાથની બે આંગળીઓ કપાઈ ગઈ હતી. એને બચાવવા માટે પ્રયાસ કરી રહેલા બોડીગાર્ડની આંગળી પણ કપાઈ ગઈ હતી. સોમવારે બનેલી આ ઘટના બાદ પોલીસે આરોપી અમરજીત યાદવની ધરપકડ કરી છે.
સોમવારે સાંજે સહાયક આયુક્ત કલ્પિતાની ટીમ મનપાડા વૉર્ડ કમિટીની મુલાકાતે ગઈ હતી. આ દરમિયાન રસ્તાના કિનારે રહેલા લારીવાળા પર નજર પડી હતી. તે ગેરકાયદેસર જગ્યા પર દુકાન ખોલી બેઠા હતા. આ દુકાન હટાવી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના કારણે અધિકારી અને લારીવાળા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ માહોલ વચ્ચે અમરજીત યાદવ ચાકુ લઈને ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
કોઈ વાત સાંભળ્યા વગર કલ્પિતા પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલા બાદ કલ્પિત સાથે અધિકારીઓ પણ ભયભીત થયા હતા. આ હુમલા બાદ કલ્પિતની બંને આગળીઓ અને બોડીગાર્ડની એક આંગળી લાંબા સમય સુધી એ રસ્તા પર પડી રહી હતી. ત્યાર બાદ થાણેની વેદાંતા હોસ્પિટલમાં સારવાર હેતું એડમિટ કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે જ્યુપિટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હાલમાં બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ અમરજીત યાદવને પકડીને લોકોએ પોલીસને સોંપી દીધો હતો. આ ઘટનાને લઈને ભાજપ ધારાસભ્ય આશિષ શેલારે સરકારની ટિકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા મારફતે કહ્યું કે, થાણેમાં આજે એક દુર્ઘટના થઈ છે. થાણે નગરનિગમની કલ્પિતા પિંપલ પર હુમલો કર્યા બાદ એક લારીવાળાએ એની આંગળીઓ કાપી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવું છે કે નહીં? સરકાર જેવી કોઈ વસ્તુ છે કે નહીં? મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની આવી ગંભીર સ્થિતિ પહેલા આટલી ખરાબ ન હતી. જોકે, આ ઘટનાને લઈને સમગ્ર થાણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. દરેક વિસ્તારમાં ઘટના અંગેની વાતચીત થઈ રહી છે. જોકે, પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે ભાજપ ધારાસભ્યએ સવાલ ઊભા કરીને ફરી રાજકીય ગરમાવો આવી ગયો છે.