કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઈન અભ્યાસમાં ખુબ જ વધારો થયો છે. બાળકો તેમના ઘરે જ બેઠી ને મોબાઈલ દ્વારા અભ્યાસ કરતા હોય છે. અભ્યાસ માટે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ આવ્યો છે. બાળકો જોડે ૮ થી ૧૦ કલાક તેમના જોડે રહેતા હોવાના કારણે ઘણા બાળકો ઓનલાઇન ગેમ ના રવાડે ચડી ગયા છે. અમદાવાદમાં ઓનલાઈન ગેમની લત લાગતા એક સગીરાનું ભણવાનું બંધ થયું. સગીરાને મોબાઈલમાં PUBG ગેમ રમવાનું તેના માતા-પિતાએ ના પડતા તે ઘરેથી ભાગી જતી હતી અને અંતે માતા-પિતાએ સગીરાનો અભ્યાસ જ બંધ કરાવ્યો અને છેલ્લે પરિવારના સભ્યોએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.
માહિતી અનુસાર અમદાવાદના રહેતા એક પરિવારે મહિલા હેલ્પલાઈન નંબર ૧૮૧ પર ફોન કરીને દીકરીને ઓનલાઈન ગેમની લત લાગી હોવાનું જણાવ્યું હતું. માતા-પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી PUBG ગેમ રમે છે અને ઘર ઘરના સભ્યોની સાથે ઝઘડાઓ કરે છે. પરિવારના સભ્યોની આ વેદના સાંભળીને મહિલા અભયમ હેલ્પલાઈનની ટીમ આ સગીરાનું કાઉન્સેલિંગ કરવા માટે તેના ઘરે ગઈ હતી. ત્યારે સગીરાના માતા-પિતાએ કહ્યું હતું કે, તેમની ૧૬ વર્ષની દીકરી ખોટું બોલીને નીકળી જાય છે. તેને આવું ન કરવા માટે સમજાવવામાં આવે તો તે બૂમો પાડીને પરિવારના સભ્યો સાથે ઝઘડો કરવા લાગે છે.
માતા-પિતાની વાત સાંભળીને મહિલા હેલ્પલાઈનની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેને મોબાઈલમાં PUBG ગેન ન રમવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ માતા-પિતાએ ફરીથી સગીરાનું એડમીશન શાળામાં કરાવ્યું હતું. મહત્ત્વની વાત છે કે, નિષ્ણાંતો પણ માને છે કે PUBG ગેમ બાળકના મગજ પર ખૂબ જ ખરાબ અસર કરે છે. PUBG ગેમ રમતા બાળકોનું માઈન્ડ એગ્રેસીવ થયું હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. તો ક્યારેક PUBG ગેમના રવાડે ચઢેલા બાળકે પરિવારના સભ્યની હત્યા કરી નાંખી હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.