સુરતમાં પાંડેસરા-લિંબાયતની ખાનગી હોસ્પિટલોના ગર્ભમાં જ પુત્રીઓની હત્યાના ગોરખધંધા
8 હજારમાં ગર્ભ પરીક્ષણ, 20 હજારમાં ગર્ભપાત અને 25 હજાર રૂપિયામાં ભ્રૂણ ફેંકવાનો પણ સોદો
સુરતની બે મહિલા ડૉક્ટરનું કબૂલાતનામું, ગર્ભમાં જ પુત્રીઓની હત્યાનો કારસો
એજન્ટો યુપી અને મહારાષ્ટ્રના લોકોને વધુ ટાર્ગેટ કરે છે
સરકાર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન જોરશોરથી ચલાવી રહી છે પરંતુ બીજી તરફ સુરતની કેટલીક હોસ્પિટલોમાં કૂખમાં જ પુત્રીઓની હત્યાનો ઘટસ્ફોટ થયો છે. આ હોસ્પિટલો માતા-પિતાની મિલીભગતથી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય કરી રહી છે.
એજન્ટો પણ કમિશન લે છે
લિંગ પરીક્ષણ, ગર્ભપાત અને પુત્રીઓની હત્યા કરીને ફેંકવા માટે અલગ અલગ રેટ્સ છે. હોસ્પિટલમાં એક ટીમ પણ કામ કરે છે, જે પુત્રીઓને ના રાખવા માંગતા ભાવિ માતા-પિતાનો સંપર્ક કરીને સોદો કરે છે. ડૉક્ટરના એજન્ટો પણ કમિશન લઇને આ ગોરખધંધામાં સંડોવાયેલા છે. એજન્ટો પુત્રી ના ઇચ્છતા અને ગર્ભ પરીક્ષણ કરાવવા માંગતા લોકોને શોધે છે. એજન્ટો મોટા ભાગે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને ટાર્ગેટ કરે છે. કામગીરીમાં સંપૂર્ણપણે ગોપનીયતા રખાય છે.
પતિ આ પરીક્ષણની વાતથી અજાણ
મહિલાના ગર્ભ પરીક્ષણ માટે હોસ્પિટલના કર્મચારીઓ તેને કોઇ અજ્ઞાત સ્થળે લઇ જાય છે જેના વિશે તેઓના પતિ અજાણ હોય છે. કોઇને સંતાનમાં પુત્રીની ઇચ્છા નથી તો ગર્ભ પરીક્ષણથી લઇને ગર્ભપાત કરાવવા સુધીની જવાબદારી હોસ્પિટલ લઇ લે છે. આ ટીમ ગર્ભ પરીક્ષણ કરાવવા ગર્ભપાત પણ કરાવે છે તેમજ ભ્રૂણને ફેંકવાનું પણ કૃત્ય આચરે છે.
રાજ્યભરમાં દર વર્ષે સરેરાશ 15 થી 20 પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને ભ્રૂણ ફેંકી દેવાય છે ડીલ – 1: બધું થઇ જશે, મહિલાઓને તમામ રિપોર્ટ લઇને બોલાવી લો, વધુ મોડું કરશો તો તકલીફ વધી જશે રિપોર્ટર: મેડમ મારે તમારું કામ હોવાથી મુલાકાત કરવી છે, ક્યારે થાય? ડૉક્ટર: શું કામ છે એ કહો. રિપોર્ટર: બે પુત્રીઓ છે, હવે નથી જોઇતી, એ મુદ્દે વાત કરવી છે. ડૉક્ટર: ઠીક છે, કાલે સવારે હોસ્પિટલ આવી જજો, ત્યાં વાત કરી લઇશું. રિપોર્ટર: આગલા દિવસે હૉસ્પિટલ પહોંચીને ડૉક્ટરને મળે છે ડૉક્ટર: તમારે કઇ રીતે શું કરવું છે, તે સમજાવો ? રિપોર્ટર: મારી પાસે ગર્ભમાં પુત્રીઓ ધરાવતા અનેક લોકો છે, જે હવે પુત્રીઓ નથી ઇચ્છતા. તો એના માટે શું કરવું પડશે? ડૉક્ટર: ઠીક છે, પરંતુ તેના માટે નિયમ પ્રમાણે કામ કરીએ છીએ. પ્રેગનન્સીનો સમયગાળો 3 મહિના 10 દિવસ હોવો જોઇએ અને અમે મહિલાને અમારી સાથે લઇ જઇશું, જ્યાં તપાસ થશે. જે પણ મહિલા છે તેની તમામ વિગતો તમારે આપવાની રહેશે.
એક સપ્તાહ બાદ રિપોર્ટરે ફરી હોસ્પિટલની મુલાકાત કરી રિપોર્ટર: મેડમ અમારી પાસે એક મહિલા આવ્યા છે, જેઓ ગર્ભ પરીક્ષણ બાદ ગર્ભપાત કરાવવા માંગે છે. તો શું કરવાનું રહેશે? ડૉક્ટર: મહિલા ક્યાં છે અને પ્રેગનન્સીનો કેટલો સમય થયો? રિપોર્ટર: ગામડે છે, તેના પતિ અહીંયા રહે છે. તમે તૈયાર હોય તો તેને અહીંયા બોલાવી લઇએ. ડૉક્ટર: મહિલાના તમામ રિપોર્ટ મંગાવો અને તેના સમય અનુસાર બોલાવી લેશો. વધુ વિલંબ કરશો તો તકલીફ વધી જશે. રિપોર્ટર: બરોબર, પરંતુ ખર્ચ કેટલો થશે? ડૉક્ટર: તપાસ કરવાનો ચાર્જ 12500 અને ગર્ભપાત કરાવવાનો 17000 રૂ.ખર્ચ થશે. રિપોર્ટર: ગ્રાહક લઇને આવું તો મારો શું ફાયદો? ડૉક્ટર: તમે સામેવાળા પાસેથી સંપૂર્ણ ચાર્જથી 5 હજાર વધુ માંગીને તમારું કમિશન લઇ લેજો.
ડીલ – 2: મહિલાને લઇને આવો, 8000માં તપાસ થશે, પછી અન્ય નિર્ણય લઈશું
રિપોર્ટર: મેડમ હમણાં જે મુદ્દે વાત થઇ, તે અંગે જ વાત કરવી છે.
ડૉક્ટર: હા, બોલો, શું કરવું છે તમારે ?
રિપોર્ટર: મારા ભાઇની પત્નીને ગર્ભમાં 2 પુત્રીઓ છે જે હવે નથી જોઇતી.
ડૉક્ટર: તેઓને અહીંયા લઇને આવવું પડશે. તેના માટે તપાસનો 8000 રૂ. ચાર્જ થશે. પરંતુ પહેલા મહિલાને લઇને આવો.
રિપોર્ટર: જો તપાસમાં પુત્રી હોવાની જાણ થશે તો કેટલો ખર્ચ થશે?
ડૉક્ટર: તેના માટે પછી વાત કરીશું, પહેલા તપાસ કરવી પડશે. તપાસ થઇ જાય પછી અન્ય નિર્ણય લઇશું.
અલગ-અલગ કામ માટે વિભિન્ન રેટ્સ
ગર્ભ પરીક્ષણ રૂ.8000-10000
ગર્ભપાત રૂ.17000-20000
ભ્રૂણ ફેંકવું રૂ. 4000-5000
2021-22માં કચરામાં ફેંકાયેલા 20 નવજાત શિશુ મળ્યા
વર્ષ 2021 અને 2022માં અત્યાર સુધીમાં લગભગ 20 નવજાત શિશુઓ સડક અથવા કચરામાંથી મળી આવ્યા છે. તેમાંથી 14 બાળકીઓ તેમજ 6 છોકરા હતા. અનેક ભ્રૂણ પણ મળી આવ્યા હતા. તેમાંથી અનેક શિશુઓ મોતને ભેટ્યા હતા અને કેટલાક ઇલાજ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
આ હોસ્પિટલો માતા-પિતાની મિલીભગતથી ગર્ભ પરીક્ષણથી લઇને પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરીને તેને કચરામાં ફેંકવાનું અમાનવીય કૃત્ય કરી રહી છે.
એજન્ટ: ગર્ભ વધુ દિવસનું હશે તો ગર્ભપાતમાં તકલીફ થશે
ગર્ભ પરીક્ષણ માટે અમે અન્ય એક વ્યક્તિ સાથે પણ વાત કરી. જે એજન્ટનું કામ કરે છે. અમે એજન્ટનું નામ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ વ્યર્થ પ્રયાસ રહ્યો. એ વ્યક્તિએ અનેક જગ્યાએ અમને બોલાવ્યા પરંતુ અમે જઇ ના શક્યા, વ્યક્તિએ અનેકવાર ફોન કરીને ગર્ભની તપાસ કરાવવાનો આગ્રહ કર્યો તેમજ વિલંબ થશે તો ગર્ભપાતમાં તકલીફ થશે અને પુત્રી હશે તો ગર્ભપાત કરાશે તેવું કહ્યું. તેના માટે લગભગ 30 થી 35 હજાર રૂપિયાનો ખર્ચ થશે.
ડૉક્ટર: ગર્ભ પરીક્ષણ-ગર્ભપાત કરાવવા માટે શહેરમાં તગડી સ્પર્ધા
જે ડૉક્ટરો સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે, શહેરમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવવા માટે તગડી સ્પર્ધા છે. પરંતુ દરેક ચોરીછૂપીથી કામ કરે છે. અહીંયા સ્પર્ધા વધુ રહે છે અને એકબીજાને ફસાવવાના પ્રયાસો થતા રહેતા હોવાથી અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાનું ટાળીએ છીએ. ડૉક્ટરો અને એજન્ટો સાથે વાત કરતા મોટા ભાગના લોકો મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી આવતા હોવાની જાણ થઇ. એજન્ટ લોકોનો સંપર્ક કરે છે અને સોદો થયા બાદ તેને ગામડેથી બોલાવે છે. પૈસા પણ પહેલા લેવાય છે. ગર્ભપાત કરાવ્યા બાદ ભ્રૂણને સડક અથવા કચરામાં ફેંકી દેવામાં આવે છે.
માર્ગ પરથી બાળકીનું ભ્રૂણ મળ્યું, માતા-પિતાની ખબર નથી
કેટલાક દિવસો પહેલા પાંડેસરાની કૈલાશ ચોકડીની પાસેથી એક 3 મહિનાની નવજાત બાળકીનું ભ્રૂણ મળી આવ્યું હતું. બાળકીનું ભ્રૂણ કોણે ફેંક્યું તે જાણવામાં પોલીસને હજુ પણ સફળતા મળી નથી. તેના માતા-પિતા વિશે પણ પતો નથી લાગ્યો. પોલીસે પાંડેસરા સહિત અનેક વિસ્તારોમાં હોસ્પિટલોમાં પૂછપરછ કરી છતાં બાળકીના માતા-પિતા વિશે જાણવામાં સફળતા નથી મળી.