ધાર્મિક ગ્રન્થો અનુસાર નવરાત્રીમાં ભગવતી દુર્ગાની આરાધના કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. તે દિવસો દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીનો દરેક દિવસ માતાજીને વિશિષ્ટ રૂપે સમર્પિત હોય છે અને તેના દરેક સ્વરૂપણ અલગ જ મહિમા હોય છે. આ તહેવાર સ્ત્રી શક્તિની આરાધનાનો તહેવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર માતાજી આ નવ દિવસ દરમિયાન પૃથ્વી પર આવે છે અને ભક્તોના દુઃખ દૂર કરે છે. તેમની મનોકામનાઓને પૂર્ણ કરે છે.
ઘટસ્થાપનનો શુભ સમય : ધાર્મિક માન્યતા અનુસાર દરેક કાર્ય કરવા માટે એક શુભ સમય હોય છે. લોકોનું એવું કહેવું છે કે નિર્ધારિત સમય કામ કરવાથી તે કાર્ય કોઈ વિઘ્ન વગર પાર પડે છે. તો જાણી લો ઘટસ્થાપનનો શુભ સમય. ૦૭ ઓક્ટોમ્બર સવારે ૦૬ વાગ્યાને ૧૭ મિનિટ થી ૦૭ વાગ્યાને ૦૭ મિનિટ સુધી.
જાણો ઘટસ્થાપનની વિધિ:
માતાજીની માંડવી બાંધવા માટે ઉત્તર પૂર્વમાં એક જગ્યાને સાફ કરી લો અને તેને પવિત્ર કરી લો. એક લાલ રંગના શુદ્ધ કપડાં પર માતાજીનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરો. પછી સૌથી પહેલા ગણેશજીનું ધ્યાન ધરવું અને કળશની સ્થાપના કરવાની. ચુંદળીમાં નારિયેળ વીંટીને કળશના મુખ પર મૂકવું. કળશમાં પાણી ભરીને તેમાં એક લવિંગની જોડી, સોપારી, હરદારનો ટુકડો, કપૂર અને રૂપિયાનો સિક્કો નાખવો. પછી કળશની ફરતે આસોપાલવના પત્તા લગાવીને નારિયેળ મૂકી દેવાનું. ત્યારબાદ આ કળશને માતાજીની પ્રતિમા આગળ જમણી બાજુ સ્થાપિત કરવું. માતાજી આગળ દીવો કરીને પૂજા વિધિની શરૂઆત કરવી.