કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું નહોતું. પણ હાલ રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે અને નવા કેસ પણ નહીવત સામે આવી રહ્યા છે. તેથી રાજ્ય સરકાર દ્વારા લોકોને ધાર્મિક કાર્યક્રમ કરવાની છૂટ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં બીજા વર્ષે પણ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં. કારણ કે, ગરબા નહીં યોજવાનો નિર્ણય પાર્ટી પ્લોટ અને ક્લબના સંચાલકો દ્વારા લેવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા માત્ર શેરી કે પોળમાં માતાજીની આરતી કરવાની છૂટ આપવામાં આવી હતી. પણ હાલ કોરોનાનું સંક્રમણ ઘટતા સામાજિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમમાં ૪૦૦ લોકોને એકઠા થવાની મંજૂરી આપવામાં આવી રહી છે. તો બીજી તરફ કર્ફ્યૂનો સમય રાત્રે ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાની મહામારી પહેલા દર વર્ષે ૬૭ જગ્યા પર રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હતું. ત્યારે ચાલુ વર્ષે ૪૦૦ લોકોની મર્યાદા હોવાના કારણે પાર્ટી પ્લોટ અને ક્લબના સંચાલકોએ ગરબા નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
રાજપથ ક્લબના સેક્રેટરી મિશાલ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ વિક્રમ શાહ અને ડાયરેક્ટર રક્ષિત પટેલે જણાવ્યું હતું કે, સરકારે ગરબા માટે ૪૦૦ લોકોને મંજૂરી આપી છે. જેથી ચાલુ વર્ષે પણ ગરબા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્ણાવતી ક્લબના નગીન પટેલે પણ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૪૦૦ લોકોને મંજૂરી આપવામાં આવી હોવાના કારણે ગરબાનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તો બીજી તરફ ક્રિસન્ટ પાર્ટી પ્લોટ, વૃન્દાવન ફાર્મ અને વૈષ્ણોદેવી ખાતેના કેસર ફાર્મના માલિકે જણાવ્યું હતું કે, આ ત્રણેય ફાર્મમાં આયોજકો વર્ષોથી ગરબાનું આયોજન કરતા હતા. પણ ચાલુ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા એક પણ કોમર્શિયલ ગરબાને મંજૂરી આપવામાં આવી ન હોવાના કારણે ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિનો પ્રસંગ આવે છે, દિવાળીનો તહેવાર આવે છે. ત્યાં સુધી લોકો બંધાઈને રહે. ઓછી સંખ્યામાં અને શેરી મહોલ્લામાં ગરબાના આયોજન બાબતે સરકાર ચર્ચા કરી રહી છે. મુખ્યમંત્રી અધિકારીઓ સાથે આ અંગે વાતચીત કરી રહ્યા છે, જેથી ડિસેમ્બર સુધીમાં લોકોને એવું ન લાગે કે અમને બાંધી રાખ્યા છે. થોડી છૂટછાટ સાથે પણ તહેવાર માણી શકાય તે પ્રકારના આયોજનો સરકારના વિચારમાં છે.