IPL 2021ના UAE લેગમાં મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રીજી હાર મળી છે. RCBએ 54 રનોથી આ મેચ જીતી લીધી. મુંબઈ ટીમના દિગ્ગજ બેટ્સમેનોનું ફોર્મ સારું રહ્યું નથી. જેમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડનું નામ સામેલ છે. આ 3 ભારતીય ખેલાડીઓની પસંદગી આવનારા T20 વર્લ્ડ કપ માટે થઇ છે. એવામાં સોશિયલ મીડિયા પર ક્રિકેટ રસીયાઓ આ ખેલાડીઓના વર્તમાન ફોર્મની ટીકા કરી રહ્યા છે. જેમાં સૌથી ઉપર નામ હાર્દિક પંડ્યાનું ચાલી રહ્યું છે.
ટૂર્નામેન્ટના બીજા ફેઝમાં હાર્દિક પંડ્યા પહેલી બે મેચમાં રમ્યો નહોતો. પણ RCB સામેની મેચમાં તે રમ્યો હતો. જોકે આ મેચમાં તેણે બોલિંગ કરી નહોતી. પણ બેટિંગમાં કંઇ ખાસ કરી શક્યો નહીં. હાર્દિક પંડ્યાએ માત્ર 3 રનોનો ફાળો આપ્યો અને તેના T20 વર્લ્ડ કપ સિલેક્શનને લઇ સવાલ ઊભા થઇ ગયા. તેને શાર્દુલ ઠાકુરની સાથે ફેરબદલ કરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાએ ક્રિકબઝ સાથેની વાતમાં કહ્યું, હા ભારત માટે T20 વિશ્વ કપ માટે સ્ટેન્ડ બાયમાં શાર્દુલ ઠાકુર છે. પણ હકીકત એ છે કે હાર્દિક પંડ્યાને શાર્દુલ ઠાકુર પહેલા એટલા માટે સિલેક્ટ કરવામાં આવ્યો કારણ કે તે સારું પ્રદર્શન કરી રહ્યો હતો.
આ સંદર્ભમાં નેહરાએ આગળ કહ્યું કે, માત્ર એટલા માટે કે હાર્દિક પંડ્યાએ એક-બે મેચોમાં રન બનાવ્યા નહીં કે વિકેટ લીધી નથી તો તમે પંડ્યાના સ્થાન પર T20 વિશ્વ કપમાં શાર્દુલ ઠાકુરને સ્થાન આપી શકો નહીં. મારા હિસાબે હાર્દિક પંડ્યાના સ્થાને શાર્દુલ ઠાકુર હોઇ શકે નહીં. તે એક બોલર છે જે બેટિંગ કરી શકે છે. જ્યારે આ મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર પંડ્યા એક તોફાની બેટ્સમેન છે. જે બોલિંગમાં ફાળો આપતો જોવા મળ્યો છે.
હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન માટે આવનારી મેચો અગત્યની રહેશે. પણ અહીં ફરક એ છે કે યાદવ અને કિશન સતત રમતા રહ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યાને વધારે તક મળી નથી.