દિલ્હી વિધાનસભામાં સુરંગ મળતા આશ્ચર્ય, તેનો ઉપયોગ કોણ કરતું હતું? દિલ્હીમાં એક રહસ્યમંય સુરંગ મળી આવી છે, જેનો એક છેડો વિધાનસભાને લાલ કિલ્લા સાથે જોડતી હોય તેવું લાગે છે, જાણો પૂરી સચ્ચાઈ

Uncategorized

દિલ્હીમાં એક રહસ્યમંય સુરંગ મળી આવી છે, જેનો એક છેડો વિધાનસભાને લાલ કિલ્લા સાથે જોડતી હોય તેવું લાગે છે. ગુરુવારે આ બાબતે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું હતું કે સુરંગ વિધાનસભાથી લાલ કિલ્લાને જોડી રહી છે. એવું લાગી રહ્યું છે કે આ સુરંગનો ઉપયોગ બ્રિટિશ શાસન દરમ્યાન સ્વતંત્રતા સેનાનીઓને ટ્રાન્સફર કરવામાં થતો હોવો જોઇએ, જેથી પ્રજાના વિરોધનો સામનો ન કરવો પડે.


રામનિવાસ ગોયલે આગળ કહ્યું હતું કે આ સુરંગનો એક હિસ્સો તો મળ્યો છે, પરંતુ આગળ તેને ખોદી શકાય તેમ નથી, કારણ કે મેટ્રો અને સીવર જેવી યોજનાઓને કારણે સુરંગના બધા રસ્તા ખતમ થઇ ચુક્યા છે. તેમણે કહ્યું કે કોઇ સ્પષ્ટ ઇતિહાસ નથી, પરંતુ સુરંગની રચના જોતા એવું લાગી રહ્યું છે કે આનો ઉપયોગ અંગ્રેજો કરતા હોવા જોઇએ.


ગોયલે કહ્યુ કે જે ભવનમાં અત્યારે વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે, તેનો ઉપયોગ ૧૯૧૨ માં કેન્દ્રીય વિધાનસભાના રૂપમાં થતો હતો. તેમણે કહ્યું કે ૧૯૨૬ માં દિલ્હી વિધાનસભા ભવનનો ઉપયોગ કોર્ટ તરીકે પણ કરવામાં આવતો હતો. એવામાં એવી આશંકા લાગી રહી છે કે આ સુરંગના રસ્તે સ્વંતત્રતા સેનાનીઓને લાલ કિલ્લાથી અહીં સુધી લાવવામાં આવતા હશે. તે સમયે દિલ્હી વિધાનસભા ના મુખ્ય ભવનના પાછળના ભાગે ફાંસી ઘર બનાવવામાં આવ્યું હતુ, જયાં ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવતી હતી.


દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે 1993માં જયારે ધારાસભ્ય બન્યો હતો ત્યારે સ્ટાફ પાસેથી સાંભળ્યું હતું કે ભવનમાં જ અંગ્રેજોની કોર્ટ ચાલતી હતી. એ પછી બીજી જગ્યાએ પણ આ વાત સાંભળી હતી એટલે સ્ટાફને તેની શોધ કરવા કહ્યું, એ પછી વિધાનસભા ગૃહમાંથી સુરંગ મળી આવી હતી.દિલ્હી વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે આઝાદીના ૭૫ વર્ષ પુરા થયા તે પ્રસંગે મેં આ રૂમનું નિરિક્ષણ કર્યું હતુ. તેમણે કહ્યું કે હવે અમે આ સુંરગની જગ્યાને સ્વતંત્રતા સેનાની મંદિર તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ.


વિધાનસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યું કે દિલ્હી વિધાનસભાની અંદર બનેલી લાલ કિલ્લા સુધી જતી સુરંગ અને ફાંસી ઘરને પ્રજા માટે ખોલવાની તૈયારી ચાલી રહી છે. આઝાદીની ૭૫ મી વર્ષગાંઠમાં આગામી ૨૬ જાન્યુઆરી અથવા ૧૫ મી ઓગસ્ટ પહેલાં એને એક ચોકકસ સ્વરૂપ આપીને આમ જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *