પગપાળા અંબાજી દર્શન માટે જતા માંઈ ભક્તોને વાહને અડફેટે લીધા, ૩ના મોત

Uncategorized

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ અકસ્માતની એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં સામે આવી છે. આ ઘટનામાં એક વાહન ચાલકની ભૂલના કારણે માતાજીના દર્શને પગપાળા જતા ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતા અને સમગ્ર મામલે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અંબાસા ગામના લોકો સંઘમાં અંબાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. તે સમયે યાત્રાળુઓને રાણપુર પાસે એક અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળ પર જ મોત નિપજયુ હતું. આ ઉપરાંત બે લોકોને ઈજા થઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે રાહદારીઓ ઘટના સ્થળ પર એકઠા થયા હતા અને તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર માટે પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ ઘટના શુક્રવારે રાત્રે ૧૧ વાગ્યા આસપાસ બનવા પામી છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ મૃતક લોકોના પરિવારના સભ્યોએ અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અમારા બે ભાઈ અને એક બહેનનું મોત થયું છે. તેથી અમે સરકાર પાસે માગણી કરી રહ્યા છીએ જે બેફામ રીતે વાહન ચલાવનારા કોઈ પણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે અમે અમારા ભાઈ અને બહેન સાથે રાત્રે ૧૧ વાગ્યે અંબાસાથી મા અંબાજીના દર્શન કરવા માટે પગપાળા નીકળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *