કોરોનાની મહામારી વચ્ચે લોકોએ ફિટનેસનું વધારે ધ્યાન રાખવું જોઈએ. એવામાં કેટલાક લોકો શહેરમાં ખાણીપીણીની લારીઓ અને દુકાનોમાં મળતા ફૂડ ખાય છે ત્યારે જો તમે અમદાવાદમાં રહો છો અને પાણીપૂરી ખાવાનું વિચારો છો તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે અમદાવાદમાં છેલ્લા 2 મહિનામાં 460 જેટલા પાણીપૂરીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 421 નમૂનાનું પરિણામ આવતાં જ એવું સામે આવ્યું છે કે, ખાવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળ અથવા તો તે અખાદ્ય હોઈ શકે છે.
માહિતી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરની 19 દુકાનોમાંથી પાણીની બોટલો અન્ય ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નમૂનાનો રિપોર્ટ આવતા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી ભાવનાબેનની પાણીપૂરી, આ ઉપરાંત સેટેલાઈટ વિસ્તારના જોધપુર રોડ પર આવેલ જગદીશ શાહ પકોડી સેન્ટર અને નવરંગ ફાયર સ્ટેશન પાસે આવેલા આર.કે કિચનમાંથી પાણીપૂરીના પાણીના લેવામાં આવેલા નમૂનામાં આ પાણી આ ખાદ્ય હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પાંચ પેકેજડનું મિનરલ પાણી પણ અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલ જગદીશ પાણીપૂરી સેન્ટરના વેપારીએ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા તેમને કહ્યું હતું કે, કોર્પોરેશનના અધિકારીઓના ચેકિંગમાં ઘણી ત્રુટિ છે એ લોકો જે સેમ્પલ લે ત્યારબાદ તેનો ટેસ્ટ ક્યારે કરે છે તે બંનેના સમયગાળામાં ફેરફાર હોવાના કારણે ઘણા પાણી ખરાબ આવી શકે છે.
ઉપરાંત ભાવનાબેન પાણીપૂરી સેન્ટરના વેપારીએ જણાવ્યું હતું કે અમારી પાણીપૂરીમાં કોઈ ખામી નથી અમને કોઈ નોટિસ આપવામાં આવી નથી. ૩૧ જુલાઈના રોજ પાણીપૂરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા એ પાણીપૂરીનો રિપોર્ટ ૨૪ ઓગસ્ટે મળ્યો છે. સાથે વેપારીએ એવું પણ કહ્યું હતું કે પાણીપૂરીના સેમ્પલ લીધા બાદ તેની રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય છે તેનો સમય પણ જરૂરી હોય છે.
ઉલ્લેખનિય છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાણીપીણીની દુકાનોમાંથી સેમ્પલ તો લે છે પણ તેનો રિપોર્ટ આવતા એકથી બે મહિનાનો સમય લાગે છે. ત્યાં સુધીમાં તો દુકાનદારે તે વસ્તુનુ વેચાણ પણ કરી નાંખ્યું હોય છે અને ગ્રાહકો આ વસ્તુ ખાઈ પણ ગયા હોય. બે મહિના પહેલા પાણીપૂરીના પાણીના લેવાયેલા નમૂનાનો રિપોર્ટ અત્યારે આવ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા લોકો આ પાણીની સાથે બનાવેલી પાણીપૂરી ખાઈ પણ ગયા હશે.