ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલા પ્રખ્યાત પોળોના જંગલોમાં એન્ટ્રી ફી અને પાર્કિંગ ફી ના નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પડાવતા એજન્ટો અને દલાલોનો પર્દાફાશ કરી જિલ્લા કલેક્ટરે એવી જાહેરાત કરી છે કે પોળોના જંગલોમાં જવા માટે કોઇપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી.
વિજયનગર સ્થિત રમણીય કુદરતી સાનિધ્યમાં પોળોના જંગલોમાં પુરાતત્વ વિભાગ હસ્તકના એવા મંદિરો છે કે જે 500 થી 1000 વર્ષ કરતાં પૌરાણિક છે. આ સાથે ચોમાસામાં લીલીતરી અને ઝરણાંથી છવાયેલા આ પ્રવાસન સ્થળની મુલાકાતે પ્રતિદિન 10 હજારની વધુ લોકો આવે છે.
કોરોના સંક્રમણના સમયમાં બેકાર બની ચૂકેલા કેટલાક તત્વોએ પ્રવાસીઓને છેતરવાના માર્ગ શરૂ કર્યા હતા. પ્રવાસીઓ પાસેથી 50 રૂપિયાની એન્ટ્રી ફી લેવાનું શરૂ કર્યું હતું પરંતુ તે તદ્દન ગેરકાયદે હતું. આ એજન્ટો પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે 20 થી 50 રૂપિયાની લૂંટ ચલાવતા હતા. એટલું જ નહીં ગાઇડ બનીને પણ પ્રવાસીઓને લૂંટતા હતા.
આ એજન્ટોએ રીતસર ઓફિસ ખોલી નાંખી હતી પરંતુ સરકારી તંત્ર તેમને પકડી શકતું ન હતું. જંગલ વિભાગ પણ આવી ઘટનાથી અજાણ હતો. તાજેતરમાં પ્રવાસીઓને જંગલ દર્શન કરાવતો એક વિડીયો વાઇરલ થયો હતો જે જિલ્લા કલેક્ટરના ધ્યાને આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ પોળોના જંગલોમાં ચાલતી લૂંટને રોકવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી અને એન્ટ્રી ફી, ગાઇડ તેમજ પાર્કિંગ ચાર્જ લેતા તત્વોને બંધ કરવાની સૂચના આપી હતી. આ તત્વોએ જે રૂપિયા ઉઘરાવ્યા હતા તે પાછા આપવાની પણ વ્યવસ્થા કરી હતી.
