પ્રશાંત કિશોર ગુજરાતની ચૂંટણી માટે સક્રિય, જાણો શું કરી રહ્યા છે

Politics

પોલિટીકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોર હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે તૈયારી કરી રહ્યાં છે. આ અગાઉ તેઓ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની ચૂંટણીની રણનીતિ બનાવતા હતા. એક તબક્કે તેમણે રાજકીય માહોલ છોડવાની જાહેરાત કરી હતી પરંતુ તેઓ ગુજરાતની ચૂંટણી માટે તૈયાર થયા હોવાનું કહેવાય છે. તેમણે ફેલોશિપ કાર્યક્રમ જાહેર કર્યો છે.

માત્ર ગુજરાત જ નહીં, આગામી વર્ષે આવનારી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ પાર્ટીને મદદ કરશે. તેમણે ચૂંટણી રણનીતિ માટે પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓનો સંપર્ક શરૂ કર્યો છે. થોડાં સમય પહેલાં પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસમાં આવેલા ટોચના નેતા કનુભાઇ કલસરિયાને મળ્યા હતા.


દિલ્હીમાં થયેલી મુલાકાત બાદ કલસરિયાએ કહ્યું હતું કે પ્રશાંત કિશોરે ગુજરાતની રાજકીય સ્થિતિનો તાગ મેળવ્યો છે. તેઓ અલગ અલગ નેતાઓને મળી રહ્યાં છે તે જોતાં એવું લાગે છે કે કોંગ્રેસના હાઇકમાન્ડે તેમને ગુજરાતની જવાબદારી સોંપી છે. થોડાં વર્ષો અગાઉ નિરમા કંપનીના સિમેન્ટ પ્લાન્ટ સામે તેમણે શરૂ કરેલી મુહિમ અંગે પણ તેમણે પ્રશાંત કિશોરને માહિતગાર કર્યા હતા.

પ્રશાંત કિશોરના નામ અને ફોટો સાથે ફેસબુક પર -સ્ટાર્ટ યોર પોલિટીકલ જરની- નામનો ભારતનો સૌથી મોટો ફેલોશિપ કાર્યક્રમ જાહેર થયો છે. જેનું રજીસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેસબુક પર આ જાહેરાત ગુજરાતીમાં આપવામાં આવી છે. તેઓ આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના યુથને જોડવાનો પ્રયાસ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશના નેતાઓએ વિધાનસભાની 2022ની ચૂંટણીની જવાબદારી પ્રશાંત કિશોરને આપવાની માગણી કરી હતી. પ્રશાંત કિશોર ગયા જૂન મહિનામાં કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ મળી ચૂક્યાં છે. તેઓની આ મુલાકાત એક કલાક સુધી ચાલી હતી.

પ્રશાંત કિશોરે તેમની એક પોસ્ટમાં લખ્યું છે કે જો તમે નેતા બનવા માગતા હોવ તો તમારા માટે રૂપિયા નહીં પણ જનતાનો મત સૌથી મહત્વપૂર્ણ છે. જો તમારી પાસે વોટ છે તો તમારા માટે રૂપિયાની ગોઠવણ થઇ જતી હોય છે.

બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે જો તમે રાજનીતિમાં પ્રવેશ કરવા માગો છો તો પહેલાં તમારી વિધાનસભા નિર્ધારિત કરો જ્યાંથી તમે ચૂંટણી લડવા માગો છો. આમ થવાથી ખુદ જનતા જ તમને નેતા બનાવી શકે છે. કોઇ રાજકીય દળ નહીં. પ્રશાંત કિશોરનું આ અભિયાન દેશમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં રણનીતિ બનાવવાનું હોઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *