જયારે દેશનો કોઈ ખેલાડી ઇન્ટરનેશનલ લેવલે મેડલ મેળવે છે ત્યારે આપણે ગર્વ અનુભવીએ છીએ. પરંતુ સવાલોએ થઇ રહ્યા છે કે શું આપણે ખેલાડીઓનું મનોબળ વધે એટલા માટે ખેલાડીઓની જરૂરિયાતો આપણે પૂર્ણ કરીએ છીએ કે નહીં. આ કહેવાનું કારણ એવું છે કે યુનિવર્સીટી માં ૧૫ કરોડ ના ખર્ચે ચાર વર્ષથી હોકી ગ્રાઉન્ડ તૈયાર થઇ ગયું છે. છતાં પણ હજુ સુધી આ ગ્રાઉન્ડ ખોલવામાં આવ્યું નથી.
માહિતી અનુસાર ટોક્યોમાં યોજાયેલી ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું અને જેથી દેશમાં સૌ કોઈના મુખે હોકી ટીમની ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ તંત્રની કેટલીક ખામીઓના કારણે ખેલાડીઓને પુરતું પ્રોત્સાહન ન મળતું હોવાનું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૪ વર્ષ પહેલાં ૧૫ કરોડના ખર્ચે એક હોકી ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. 4 વર્ષથી હોકી ગ્રાઉન્ડ તૈયાર છે પરંતુ હજુ સુધી ખેલાડીઓ માટે આ હોકી ગ્રાઉન્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું નથી.
તેના પર ખંભાતી તાળું લાગેલું જોવા મળી રહ્યું છે. મહત્ત્વની વાત એ પણ છે કે, હોકી ગ્રાઉન્ડ તૈયાર થયા બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેનું ઉદ્ધઘાટન પણ કર્યું હતું. એક તરફ હોકીના ખેલાડીઓ રાહ જોઈ રહ્યા છે કે, તેમને આ ગ્રાઉન્ડમાં ક્યારે રમવાનો મોકો મળે પરંતુ યુનિવર્સિટી દ્વારા ગ્રાઉન્ડ ખોલવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ યુનિવર્સિટીના જ એ જ સિન્ડીકેટ સભ્યએ આરોપ લગાવ્યો છે કે, આવા અનેક ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ધુળ ખાઈ રહયા છે.
આ બાબતે જ્યારે યુનિવર્સિટીના ઉપ કુલપતિને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, કોચ ન હોવાના કારણે બધું બંધ છે. ત્યારે આ બાબતે સવાલ એ થઈ રહ્યો છે કે શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ માત્ર એક્રેડિટેશન લેવા માટે કરોડોનો ખર્ચો કરીને આ ગ્રાઉન્ડ બનાવ્યું હશે કે, પછી વિદ્યાર્થીઓને સ્પોર્ટસમાં આગળ વધારવા અને તેમને સારી તાલીમ આપવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કોઈ રસ નથી. તંત્રની આવી બેદરકારીના કારણે ઇન્ડિયાને સારા ખેલાડીઓ મળી શકશે? કારણ કે એક તરફ સરકર સ્પોર્ટ્સમાં યુવકો આગળ વધે એટલે ખેલ મહાકુંભ જેવા આયોજનો કરી રહી છે અને બીજી તરફ યુનિવર્સિટીઓમાં આવા ગ્રાઉન્ડ તૈયાર હોવા છતાં પણ ચાર-ચાર વર્ષથી તેમાં ખંભાતી તાળાં લાગેલાં જોવા મળે છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ ગ્રાઉન્ડને ખેલાડીઓ માટે ક્યારે ખુલ્લું મૂકવામાં આવે છે અને ક્યારે ખેલાડીઓ આ ગ્રાઉન્ડની અંદર પોતાની પ્રેક્ટિસ શરૂ કરશે.