ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાની સાદાઇ વિશે તો બધાને ખબર હશે પરંતુ ઓછા લોકોને ખબર હશે કે તેમને કૂતરાઓથી વિશેષ પ્રેમ છે. ખાસ કરીને ગલીમાં રખડતા કૂતરા વિશે તેમનું એટલું જોડાણ છે કે ખાસ વ્યવસ્થાઓ કરાવી રાખી છે. હાલમાં જ તેમને ઇન્સ્ટા પર એક ફોટો શેર કર્યો. આ ફોટો તેમની મુંબઇની તાજ હોટેલ બહારનો છે. મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે એક વ્યકિત છતરી લઇને ઊભો છે. તે વ્યક્તિની પાસે જ એક કુતરો પણ ઊભો છે. વ્યક્તિએ છતરી એ રીતે રાખી છે કે કૂતરો પણ પણ ભારે વરસાદમાં રાહત મેળવી શકે.
ટાટા ફોટો શેર કરવા સાથે લખ્યું છે કે મોનસૂનમાં રખડતા કૂતરાને અનુકૂળતા કરી આપી. તાજના આ કર્મચારીએ તેની છતરી કૂતરા સાથે વહેંચીને ખુબ દયાળું હોવાનો પરિચય આપ્યો છે. ખુબ જ હ્રદયસ્પર્શી ક્ષણ છે. આનાથી રખડતા ઢોરો તરફ લોકોની માનસિકતામાં મોટો ફેર પડી શકે છે. તેની સાથે તેમણે હાર્ટની ઇમોજી પણ શેર કરી છે.
રતન ટાટાનો કુતરા પ્રત્યેનો પ્રેમ એટલો વધારે છે કે ટાટા ગ્રુપના હેડક્વાર્ટર્સ ખાતે આજુબાજુમાં રખડતા કૂતરા માટે કેનેલની વ્યવસ્થા કરવામાં આવી છે. કેનેલમાં રહેતા કૂતરાઓમાંથી તેમનો એક ફેવરાઇટ કૂતરો પણ છે. આ કૂતરો સફેદ અને કાળા પટ્ટા વાળો છે. અગાઉના કૂતરા વિશે પણ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને તેના નામ વિશેની જાણકારી આપી હતી. આ કૂતરાનું નામ ગોવા છે. તેમણે જણાવ્યું હતું કે એક વાર તેઓ ગોવા ગયા ત્યારે તેમના સાથીની કારમાં આ કૂતરો આવી ગયો હતો. ત્યારબાદ તે છેક ગોવાથી મુંબઇ સુધી તેમની કારમાં જ રહ્યો. એટલે તેનું નામ ગોવા પાડવામાં આવ્યું છે.
તેમણે આ ગોવા વિશે લખ્યું હતું કે તે તેમનો મિત્ર છે જેને જ્યારે ઓફિસ જાય છે ત્યારે મળવા માટે હમેશા આતુર હોય છે.