રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુંજાડ ગામે આયોજિત ગ્રામસભાને સંબોધતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં કોરોનામુક્ત થનારું પ્રથમ રાજ્ય હશે. તેમણે તેનો તર્ક આપતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ નાગરિકોનું રસીકરણ થાય તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી આરોગ્ય, શિક્ષણ અને પાણી જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરી વિકાસલક્ષી વ્યવસ્થાઓ વિકસાવી હતી અને તે વ્યવસ્થાઓ આજે પણ સુચારુ ઢબે કાર્યરત છે.
ઋષિકેશ પટેલે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા અનેકવિધ કામની વિગતો આપતા કહ્યું કે, ગામડાના નાગરિકોની સુખાકારી માટે ગ્રામ્યસ્તરે જ આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર વગેરે જેવી સુવિધાઓ પ્રાપ્ત તે માટેના નિર્ણય કર્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.