દક્ષિણ દિલ્હીની એન્ડ્રયુઝ ગંજ સ્થિત રેસ્ટોરાં હાલમાં સાડી પહેરેલી એક મહિલાને કથિત રીતે પ્રવેશ ન કરવા દેવાના મામલે ચર્ચામાં છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે અકિલા રેસ્ટોરાં બંધ કરી દેવામાં આવી છે. વિવાદોમાં આવ્યા બાદ દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC)ની તપાસમાં જાણવા મળ્યું કે અકિલા રેસ્ટોરાં લાઇસન્સ વિનાની છે. ત્યારબાદ SDMC તરફથી આપવામાં આવેલા ક્લોઝર નોટિસ બાદ અકિલા રેસ્ટોરાંનું મેનેજમેન્ટ બંધ કરવાની એફિડેવિટ નિગમને આપીને બંધ કરી દેવામાં આવ્યું.
રેસ્ટોરાં તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ લાઇસન્સ વિના રેસ્ટોરાં ચલાવી રહ્યા હતા ત્યારબાદ તેમણે પ્રતિષ્ઠાન બંધ કરી દીધું છે. જોકે તે માટે જરૂરી હેલ્થ લાઇસન્સ માટે અરજી કરી દેવામાં આવી છે. SDMC તરફથી ૨૪ સપ્ટેમ્બરના રોજ નોટિસ જાહેર કરવામાં આવી છે કે પબ્લિક હેલ્થ ઇન્સપેક્ટરે ૨૧ સપ્ટેમ્બરના રોજ તપાસમાં જાણ્યું કે રેસ્ટોરાં હેલ્થ ટ્રેડ લાઇસન્સ વિના અસ્વચ્છ સ્થિતિમાં ચાલી રહી હતી. અહીંની સ્થિતિઓ સ્વાસ્થ્યના હિસાબે ઉચિત નહોતી. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે રેસ્ટોરાંએ સાર્વજનિક સ્થાન પર ગેરકાયદેસર કબજો પણ કરી રાખ્યો હતો.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેસ્ટોરાંએ સફાઇ આપી હતી. રેસ્ટોરાંએ કહ્યું કે સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે તે પૂરો વીડિયો સામે આવ્યો નથી. રેસ્ટોરાંએ દાવો કર્યો હતો કે મહિલાની પહેલાથી કોઈ ટેબલ બુકિંગ નહોતી. જેના કારણે અમે તેને વિનમ્રતાથી વિનંતી કરી કે અમારે ત્યાં કોઈ ખાલી જગ્યા નથી ત્યારબાદ મહિલાએ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો.