સામાન્ય વ્યક્તિને ઘણી વખત ચલણી નોટને લઇને હેરાન પરેશાન થવાનો વારો આવે છે. સામાન્ય વ્યક્તિ પાસે કોઈને કોઈ રીતે ક્યારેક ફાટેલી ચલણી નોટ આવી જાય છે. તો કેટલીક વખત કોઈ કારણોસર વ્યક્તિથી જ ચલણી નોટ ફાટી જાય છે અને આ નોટ પછી કોઈ દુકાનદાર કે અન્ય લોકો દ્વારા લેવામાં આવતી નથી. કેટલીક વખત તો ફાટેલી નોટો વ્યક્તિને બેંકના ATM મશીનમાંથી મળે છે. પણ વ્યક્તિ જ્યારે ડિપોઝીટ મશીનના માધ્યમથી પોતાના કે અન્યના ખાતામાં પૈસા જમા કરાવે છે ત્યારે મશીનમાં વળી ગયેલી કે અથવા તો ફાટેલી નોટ હોય તો તે મશીન એક્સેપ્ટ કરતુ નથી. ત્યારે ફાટેલી નોટને લઇને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક મહત્ત્વની માહિતી આપવામાં આવી છે.
એક ગ્રાહક દ્વારા આ બાબતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ટવીટર હેન્ડલ પર ફાટેલી નોટને લઇને ફરિયાદ કરી હતી. ગ્રાહકની આ ફરિયાદને લઇને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બેંકમાં નોટોની ગુણવત્તા અત્યાધુનિક નોટ સોર્ટિંગ મશીન દ્વારા તપાસવામાં આવે છે. એટલે ફાટેલી અને ખરાબ નોટ મળવાની શક્યતા નહીંવત છે. જો તમને આવી કોઈ પણ પ્રકારની નોટ મળી હોય તે તમે બેંકની શાખામાં જઈને બદલી શકો છો. બેંકના આ જવાબ પરથી સ્પષ્ટ થાય છે કે, કોઈ પણ વ્યક્તિ પાસે ફાટેલી નોટ હોય તે બેંક પર જઈને આ નોટને બદલી શકે છે.
સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ ફાટેલી નોટને લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે, દરેક બેંકે જૂની અથવા તો ફાટેલી ચલણી નોટનો સ્વીકાર કરવો પડશે. પણ નોટ સ્વીકારવા માટે શરત એટલી છે કે આ નોટ નકલી ન હોવી જોઈએ. ગ્રાહક તેની નજીકની બેંકનો સંપર્ક કરીને ફાટેલી નોટને સરળતાથી બદલી શકે છે. ફાટેલી નોટને બદલવા માટે ગ્રાહકની પાસેથી બેંક દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ વાસૂલાવામાં આવશે નહીં. પણ ગ્રાહક નોટ બદલવા ઈચ્છતો હોય તે તેના માટે જરૂરી છે કે, તે વ્યક્તિ બેંકનો ગ્રાહક હોય.
મહત્ત્વની વાત છે કે, ગ્રાહકની નોટ બદલવી કે નહીં તે બેંક પર નિર્ભર છે. નોટ બદલતા પહેલા નોટની કન્ડીશન તપાસવામાં આવે છે. બેંક ગ્રાહક પાસેથી ફાટેલી નોટની તપાસ કરે છે કે, ગ્રાહકે જાણી જોઈને નોટ તો નથી ફાડીને. આવી તમામ બાબતો તપાસીને બેંક ગ્રાહકને નોટ બદલી આપે છે. જે નોટની સ્થિતિ સારી હોય તેવી નોટ બેંક સરળતાથી બદલી આપે છે.