આજની તારીખમાં જે રીતે મોંઘવારી વધી રહી છે, તેની તમારા પર અસર ન પડે તે માટે યોગ્ય જગ્યા પર રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં જો તમે આ વાતને લઇ પરેશાન છો કે રોકાણ માટે બેસ્ટ વિકલ્પ શું રહેશે તો તમને જણાવીએ કે મ્યુચ્યુઅલ ફંડ SIP(સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ટેક્સ અને રોકાણ તજજ્ઞો અનુસાર જો આપણે લાંબા અને વચગાળાના સમય માટે SIPમાં રોકાણ કરીએ છીએ તો મૂળધન ગુમાવવાની સંભાવના ઓછી રહે છે. પણ તમે આની પસંદગી કઇ રીતે કરી છે તે વધારે અગત્યનું છે.
જો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો SBI ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટી ફંડ, SBI ફોકસ્ડ ઈક્વિટી અને SBI મેગ્નમ ઈક્વિટી ઇએસજી ફંડ એવા પ્લાન છે જેણે પાછલા 5 વર્ષમાં જોરદાર રિટર્ન આપ્યું છે. સારી વાત એ રહી છે કે આમાં એકીકૃત રકમ(લમસમ) અને SIP બંનેમાં જ જોરદાર રિટર્ન મળ્યું છે. જાણો ક્યાં સૌથી વધારે લાભ મળ્યો છે.
SBI ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટી ફંડ
વેલ્યૂ ડેટા રિસર્ચ ડેટા અનુસાર જો કોઇએ લમસમ 1 લાખ રૂપિયા જમા કર્યા તો પાંચ વર્ષમાં તેના 3.26 લાખ રૂપિયા થઇ ગયા. બીજી તરફ જો SIP રોકાણકાર 10 હજાર રૂપિયા મહિનાથી શરૂઆત કરે છે તો 5 વર્ષ પછી આજના સમયમાં તેના 14.51 લાખ રૂપિયા થઇ ગયા છે.
SBI ફોકસ્ડ ઈક્વિટી
આ સ્કીમમાં પણ રોકાણ કરનારાઓને ખૂબ જ સરસ રિટર્ન મળ્યું છે. વેલ્યૂ રિસર્ચ ડેટા અનુસાર કોઇ વ્યક્તિએ 5 વર્ષ પહેલા આ સ્કીમમાં 1 લાખ રૂપિયા રોકણ કર્યું હતું તો આજના સમયમાં તે વધીને 2.19 લાખ રૂપિયા થઇ ગયા છે. જો કોઇએ 10 હજાર રૂપિયા મહિનાની SIPથી શરૂઆત કરી હતી તો તેના આજે વધીને 10.23 લાખ રૂપિયા થઇ ગયા છે.
SBI મેગ્નમ ઈક્વિટી ESG ફંડ
અહીં પણ રોકાણ કરનારા લોકોને પાછલા પાંચ વર્ષમાં જોરદાર રિટર્ન મેળવવામાં સફળતા મળી છે. જો કોઇ રોકાણકારે પાંચ વર્ષ પહેલા 10 હજાર રૂપિયા મંથલી SIPની સાથે શરૂઆત કરી હશે તો તેમને આજના સમયે 9.68 લાખ રૂપિયા મળશે. તો 1 લાખ રૂપિયા જમા કરનારા વ્યક્તિને 1.93 લાખ રૂપિયા પ્રાપ્ત થયા હશે