ઘણી વાતો એવી હોય છે કે જે સાંભળતા કોઈને વિશ્વાસ ન થાય પરંતુ, ક્યારેક કુદરતના ચમત્કારને લોકોએ માનવો પડે છે. ત્યારે આવો જ એક કુદરતનો ચમત્કાર ગુજરાતમાં સામે આવ્યો છે. જેમાં ગાયનું એક વાછરડું જે માત્ર નવ મહિનાનું છે છતાં પણ તે દૂધ આપવા લાગ્યું છે અને આ જ કારણે વાછરડું ખરીદવા માટેની ઓફર પણ વાછરડાના માલિકને આવી રહી છે. પશુ ચિકિત્સકો પણ આ પ્રકૃતિના ચમત્કાર વિશે જવાબ આપી શકતા નથી. વાછરડાનો માલિક તેને કોઈ પણ કિંમતે વેચવા માટે તૈયાર નથી.
માહિતી અનુસાર, આ ઘટના ભૂજની છે. ભૂજમાં રાશિદ સમા નામનો એક વ્યક્તિ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. રાશિદ ગાય રાખે છે તેની પાસે 25 જેટલી ગાય છે. આ 25 ગાયમાંથી એક ગાયનું વાછરડું માત્ર નવ મહિનાનું છે છતાં પણ તે દૂધ આપે છે. આ વાછરડું દોઢ મહિનાથી દૂધ આપી રહ્યું છે અને તેનું નામ રાશિદે કાબર રાખ્યું છે. કાબર નામનું વાછરડું હજુ સુધી માતાનું દૂધ પીવે છે છતાં પણ તે ક્યારેક એક વાટકી તો ક્યારેક બે વાટકી દૂધ આપે છે. વાછરડાની આ ખૂબી જોઈને લોકો તેને ખરીદવા માટેની પણ ઓફર કરી રહ્યા છે પરંતુ, રાશિદ આ વાછરડાને કોઈ પણ કિંમતે વેચવા માગતો નથી.
આ ઘટના બાબતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રાશિદ સમાએ જણાવ્યું હતું કે, કાબર નામનું વાછરડું નવ મહિનાનું છે છતાં દોઢ મહિનાથી દૂધ આપી રહ્યું છે. આ વાછરડાને ખરીદવા માટે ૫૫ હજારથી ૭૦ હજાર રૂપિયાની ઓફર પણ મળી છે પરંતુ, અમે તેને કોઈ પણ ભોગે વેચવા માગતા નથી. ઘણા લોકો આ વાછરડાને જોવા માટે આવી રહ્યા છે અને કેટલાક પશુ ચિકિત્સકો તેની તપાસ પણ કરી ચૂક્યા છે અને નવ મહિનાના વાછરડાને દૂધ આપતા જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. મહત્ત્વની વાત છે કે રાશિદના પરિવારના સભ્યો 60 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.