મોબાઈલ વગર આજે કોઈ દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે. મોબાઈલ વગર જીવવું કઠિન છે. પણ સૌથી વધારે પરેશાની સ્કૂલના બાળકોને લઈને સામે આવી છે. ખાસ કરીને ઓનલાઈન ક્લાસ શરૂ થતા વાલીઓની હેરાનગતિ વધી છે. કારણ કે, અભ્યાસ કરતા બાળકો ઈતર પ્રવૃતિઓ અને બીજી એપ્લિકેશનમાં ચોંટી જાય છે. ત્યારે એમાં કોઈ દિવસ માઠું પરિણામ જોવાનો પણ વારો આવે છે.
સુરતમાંથી એક હચમચાવી નાંખે એવી ઘટના સામે આવી છે. જ્યાં માતા પિતાએ દીકરી પાસેથી મોબાઈલ લઈ લેતા દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી. માતા પિતાની વાતનું માઠું લાગતા તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આનંદ પાર્ક સોસાયટીમાં રહેતી એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લેતા અકાળે મોતને વ્હાલું કર્યું છે. જેના કારણે એના પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
રિક્ષા ચલાવતા પિતાની એકની એક દીકરીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. પણ આ પાછળ મોબાઈલ કારણભૂત બન્યો છે. પિતાએ લઈ લીધેલો મોબાઈલ ફોન પાછો ન મળતા મન પર લાગી આવ્યું હતું. ત્યાર બાદ દીકરીએ આવું પગલું ભરી લીધું હતું. પિતાએ દીકરીને મોબાઈલને લઈને ઠપકો આપ્યો હતો. જેમાં દીકરી રીસાઈ ગઈ હતી. પછી તેણે પોતાના રૂમમાં જઈને પંખા સાથે લટકીને જીવન ટૂંકાવી દીધું હતું.
થોડા સમય સુધી રૂમમાં કોઈ પ્રકારની હિલચાલ ન થતા પિતાએ દરવાજો ખોલીને જોયું તો 16 વર્ષની દીકરી ખુશ્બુનો મૃતદેહ ટીંગાતો હતો. દીકરીના પિતા શંકર ઉપાધ્યાયે તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ સ્મિમેરમાં ખસેડી સારવાર માટે દોડ્યા હતા. પણ સારવાર મળે એ પહેલા તો પ્રાણ પંખીરૂ ઊડી ગયું હતું. ખુશ્બુ ધો.11માં અભ્યાસ કરી રહી હતી. સમગ્ર કેસની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નાની અમથી વાતમાં માઠું લાગતા આત્મહત્યા કરવાના કેસમાં દિવસે દિવસે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ઘણી વખત પ્રશ્ન એ થાય કે, ટીનેજ વર્ગમાં અને માતા પિતા વચ્ચે એવો ક્યો સંવાદ ખૂટે છે. જે નવ યુવાનોને ખૂંચી જાય છે. જેના કારણે ભોગવવાનો વારો વાલીઓનો આવે છે.