બાર જ્યોતિર્લિંગમાંથી સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે અને ગુજરાતમાં સોમનાથ દાદાના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દેશ વિદેશથી આવે છે. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે ઘણા લોકો સોમનાથદાદાના ઓનલાઇન પણ દર્શન કરે છે. તો બીજી તરફ યાત્રાળુઓ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એક એવી યાંત્રિક સિસ્ટમ કાર્યરત કરવામાં આવનાર છે કે, જેનાથી કોઈ પણ ભક્ત મંદિરના શિખર પર પોતાના હસ્તે ધજા ચડાવી શકશે.
રિપોર્ટ અનુસાર વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં આગામી 20થી 25 દિવસમાં એક યાંત્રિક સિસ્ટમ કાર્યરત થવા જઈ રહી છે અને યાંત્રિક સિસ્ટમથી સોમનાથ મંદિરના શિખર પર ભક્તોને ધ્વજા ચઢાવવા માટે માત્ર જમીન પર ઊભા રહીને એક દોરી પકડી રાખવી પડશે અને આ દોરી પકડવાથી તેઓ પોતાના હસ્તે જ શિખર પર ધ્વજા ચઢાવી શકશે અને આ માહિતી સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આપી હતી.
વિજયસિંહ ચાવડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ યાંત્રિક સિસ્ટમથી ચઢ નારી ધ્વજા શિવભક્તો જાતે શિખર સુધી ચઢાવી શકશે અને ત્યાંથી શિખર પરથી આગળની ફરકતી રહેલી ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓ ધ્વજા પૂજા પણ લખાવી શકશે અને પોતાના હાથે જ ધ્વજા રોહણનો લાહવો લઇ શકશે.
સોમનાથ મંદિરમાં સિસ્ટમ કાર્યરત થવાના કારણે યાત્રાળુઓ જાતે શિખર સુધી સોમનાથ મંદિરમાં ધજા ફરકાવી શકશે અને આ પ્રોજેક્ટમાં ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ પણ સહયોગ આપી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે છેલ્લા સિત્તેર વર્ષથી સોમનાથ મંદિરના શિખર ઉપર ધ્વજા ચઢાવવા માટે મંદિરના કર્મચારીઓ સીડી પર ચઢીને ધ્વજા રોહન કરી રહ્યા હતા. અત્યાર સુધીમાં લાખો ભકતોએ ધ્વજની પૂજા માટે રુચિ દર્શાવે છે અને તેઓ નિયત દિવસે અને સમયે મંદિર પરિસરમાં પરિવારની સાથે આવીને ધ્વજા પૂજા કરીને પૂજા પૂર્ણ થયા બાદ તેમની ધ્વજા મંદિરના કર્મચારીઓ શિખર પર ચઢાવવા જાય છે. પણ હવે ભાવિકો પોતે જ ધ્વજાની પૂજા કરીને પોતાના હસ્તે જ ધ્વજાને મંદિરના શિખર પર ચઢાવી શકશે.