PM નરેન્દ્ર મોદીએ બેંગલુરુના વિદ્યાર્થી સ્ટિવન હેરિસને પત્ર લખીને તેમના દ્વારા બનાવાયેલ પેઈન્ટિંગની પ્રશંસા કરી છે. વાસ્તવમાં, આ ૨૦ વર્ષીય ઉભરતા કલાકારે એક પત્ર સાથે PMના બે સુંદર પેઈન્ટિંગ બનાવીને તેમને મોકલ્યા હતા. તેના જવાબમાં હવે પીએમ મોદીએ પત્ર લખીને સ્ટિવનને પ્રોત્સાહન આપ્યું છે.
PMએ પત્રમાં લખ્યું છે કે રચનાત્મક ક્ષેત્રમાં યુવાઓની લગન અને મહેનત જોવી અત્યંત સુખદ છે. પીએમએ સ્ટિવનની પ્રશંસા કરતા લખ્યું કે તમારા પેઈન્ટિંથી આપનામાં ચીજોને ઊંડાણથી અનુભવવાની પ્રતિભાનો ખ્યાલ આવે છે. તમે જે બારિકાઈથી સૂક્ષ્મ ભાવોને કેનવાસ પર ઉતાર્યા છે, તેને જોઈને મન આનંદિત થઈ જાય છે.
આ સાથે જ આ પત્રમાં PM મોદીએ સ્ટિવનના વિચારોની પણ પ્રશંસા કરી છે. હાલના સમયમાં લોકોના સારા સ્વાસ્થ્ય અને કુશળ મંગળને લઈને સ્ટિવનના વિચારોની પીએમએ પ્રશંસા કરી છે. આ સાથે જ PMએ લખ્યું, રસીકરણ અભિયાન, શિસ્ત અને ૧૩૦ કરોડ ભારતીયોના સામુહિક પ્રયાસ આ મહામારી વિરુદ્ધ અમારી લડાઈને મજબૂતી પ્રદાન કરે છે.
PMએ આશા વ્યક્ત કરી છે કે સમાજમાં પોઝિટિવિટી ફેલાવવાના સ્ટિવનના પ્રયાસોથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે. આ અગાઉ સ્ટિવને પ્રધાનંત્રી મોદીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૧૫ વર્ષથી પેઈન્ટિંગ કરી રહ્યા છે અને વિવિધ સ્તરે ૧૦૦ થી વધુ પુરસ્કારો પણ જીતી ચૂક્યા છે. સ્ટિવને PM મોદીને પોતાના માટે પ્રેરણારૂપ ગણાવ્યા છે. આ સાથે જ સ્ટિવને કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારતના રસીકરણ અભિયાનની પણ પ્રશંસા કરી હતી.