પરમવીર ચક્રથી સન્માનિત કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત ફિલ્મ ‘શેરશાહ’ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરનારા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રાના રોલમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ શાનદાર એક્ટિંગ કરી છે. અસલ જીવનની વાત કરીએ તો કેપ્ટન વિક્રમ બત્રા માત્ર ૨૪ વર્ષના હતા, જ્યારે તેમણે પોતાની હિંમતથી દુશ્મનોને ધૂળ ચટાવી હતી. તેમની હિંમતના એવા ઘણા કિસ્સાઓ છે, જેની ચર્ચા શરૂ કરવામાં આવે તો પૂરી જ ના થાય. ફિલ્મ ‘શેરશાહ’માં તેમની પર્સનલ લાઈફ વિશે પણ દર્શાવવામાં આવ્યું છે, જેમા તેમની અને ડિમ્પલ ચીમાની લવ લાઈફ વિશે પણ દર્શાવવામાં આવ્યું છે.
વિક્રમ બત્રા કારગિલ વોર પરથી પરત ફર્યા બાદ ડિમ્પલ સાથે લગ્ન કરવાના હતા, પરંતુ આ સપનું પૂરું ના થઈ શક્યું, કારણ કે ૭ જુલાઈ, ૧૯૯૯ના રોજ તેઓ દેશ માટે શહીદ થઈ ગયા હતા. જોકે, આ પહેલા વિક્રમ બત્રાએ એકવાર નાડા સાહિબ ગુરુદ્વારામાં પરિક્રમા કરતા ડિમ્પલ ચીમાનો દુપટ્ટો પકડ્યો હતો અને તેને પોતાના લગ્ન ગણાવ્યા હતા. એટલું જ નહીં, કારગિલ વોર માટે રવાના થતા પહેલા તેમણે પોતાના લોહીથી ડિમ્પલની માંગમાં સિંદૂર પૂર્યું હતું.
ડિમ્પલ ચીમા માટે આ પળ તેમના જીવનની સૌથી યાદગાર પળોમાંથી એક છે. એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ડિમ્પલે જણાવ્યું હતું કે, તેમણે લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને થોડાં જ દિવસો રાહ જોવાની હતી, કારણ કે ત્યારબાદ વિક્રમ પાછા આવવાના હતા. તૈયારીઓની વચ્ચે જ્યારે તેમની મુલાકાત વિક્રમના ભાઈ વિશાલ બત્રા સાથે થઈ તો તેમણે હસતા-હસતા પૂછ્યું- જ્યારે વિક્રમ પાછા આવી જશે તો તમે અમારા લગ્નમાં નાચશો ને? તેના જવાબમાં વિશાલે પણ હસીને કહ્યું- હાં જરૂર નાચીશ. આ વાતચીત વિક્રમ બત્રાના શહીદ થવાના ૬ દિવસ પહેલા થઈ હતી.
કેપ્ટન વિક્રમ બત્રાના ગયા બાદ ડિમ્પલ ચીમાએ ક્યારેય લગ્ન ના કર્યા. અસલ જીવનમાં ડિમ્પલ ચીમા એક સ્કૂલમાં ભણાવી રહી છે. વિક્રમ બત્રાની સાથે પોતાના ૪ વર્ષના રિલેશનશિપમાં ડિમ્પલ આજે પણ તેમની યાદોની સાથે પોતાનું જીવન વીતાવી રહી છે. પોતાના ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તેમને ૧૭ વર્ષોમાં ક્યારેય લાગ્યું જ નહીં કે તેઓ એકલા છે. લોકો જ્યારે તેમના વિશે વાત કરે છે, તો તેમને ખૂબ જ ગર્વ થાય છે, પરંતુ એ વાતનું દુઃખ પણ છે કે પોતાની ઉપલબ્ધિઓ વિશે સાંભળવા માટે તેઓ અહીં નથી. તેઓ દેશ માટે એક પ્રેરણા છે અને આશા છે કે અમે ફરી મળીશું.
બીજી તરફ કેપ્ટન વિક્રમ બત્રાના પિતા ગિરિધર લાલ બત્રાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન કરવાના નિર્ણયથી તેમને કોઈ આપત્તિ નહોતી. ડિમ્પલ એક સન્માનજનક છોકરી છે અને તેને સંબંધોની સમજ છે, પરંતુ તેમના લગ્ન ના થઈ શક્યા કારણ કે વિક્રમ અમને હંમેશાં માટે છોડીને ચાલ્યો ગયો હતો. તે પરિવારના સભ્યોને વિક્રમના જન્મદિવસ પર શુભકામનાઓ આપવા માટે વર્ષમાં બેવાર ફોન કરે છે.