નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ, તા.13
તસ્કરોએ સીજી રોડ પર આવેલી ટ્રાવેલ્સ એજન્ટની ઓફિસના તાળા તોડી 2.90 લાખની ચોરી કરી હતી. ચોરીને અંજામ આપનાર બંને ચોર સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયા છે, સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
શાહીબાગ વિસ્તારમાં આવેલા સહજાનંદપાર્કમાં સુનિલ ગોરધનદાસ ચાવલા પરિવાર સાથે રહે છે અને નવરંગપુરા સીજી રોડ પર આવેલા અગ્રવાલ કોમ્પલેક્ષમાં રિવેરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે ઓફિસ ધરાવી વેપાર કરે છે. ગત 12 માર્ચના રોજ સવારે સુનિલભાઇ પોતાની દુકાને પહોચ્યા ત્યારે તેમની દુકાનના શટરના બંને તાળા તૂટેલા હતા. ઓફિસમાં જઇ તપાસ કરતા તેનો સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો અને ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતુ.
ઓફિસના લોકરમાં રાખેલા 1.90 લાખ રોકડા સહિત ચેકબુક પાસબુક સહિતના ડોક્યુમેન્ટ પણ ચોરી કરી લીધા હતા. પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરતા બહાર આવ્યું હતું કે, 12મી માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યે બે શખસો તાળું તોડી ઓફિસમાં પ્રવેશ્યા હતા અને ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમા ગુનો નોધાયો હતો.