લંડનની એક રિઅલ એસ્ટેટ કંપનીને પોતાની મહિલા કર્મચારીને માત્ર 1 કલાકની રજાની છૂટ નહીં આપવાનું ભારે પડ્યું હતું. મહિલાએ કોર્ટના દરવાજા ખટખટાવતા કોર્ટે કંપનીને 2 કરોડ રૂપિયાનું મહિલાને વળતર ચુકવવાનો આદેશ કર્યો છે.
કંપનીએ મહિલાને જે રકમ ચુકવવી પડશે તે તેના વાર્ષિક પેકેજ કરતા પણ વધારે છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે મહિલાની રજા મંજૂર નહીં કરીને કંપનીએ ગેરજવાબદારી બતાવી છે.રજા નહીં મળતા મહિલાએ નોકરી છોડી દીધી અને કોર્ટમાં અરજી કરી હતી.
લંડનની એક રિઅલ એસ્ટેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતી એક મહિલાએ કંપની પાસે સપ્તાહમાં 4 દિવસ દરરોજ 1 કલાક વહેલા જવાની પરવાનગી માંગી હતી કારણ કે તેણીની નાનકડી બાળકી છે અને નોકરી દરમ્યાન ચાઇલ્ડ કેર સેન્ટરમાં મુકીને આવતી હતી.
આ સેન્ટર 5 વાગ્યે બંધ થઇ જતું હોવાથી મહિલાએ કંપનીને વિનંતી કરી હતી તેણીને 1 કલાક વહેલા જવાની છુટ આપવામાં આવે. કંપનીએ દરખાસ્તનો ઇન્કાર કરતા મહિલા કોર્ટમાં ગઇ હતી, કોર્ટે કંપનીને 1. 80 લાખ પાઉન્ડ( અંદાજે 2 કરોડ રૂપિયા) ચુકવવાનો આદેશ કર્યો છે.
ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ લંડનમાં આવેલી મનોર એસ્ટેટ કંપનીમાં એલિસ થોમ્પસન સેલ્સ મેનેજર તરીકે નોકરી કરી હતી. એલિસે પોતાના બોસને પોતાની આપવીતી જણાવીને સપ્તાહમાં 4 દિવસ 1 કલાક વહેલાં જવાની પરવાનગી માંગી હતી. બોસે એલિસની દરખાસ્તને નકારી હતી અને કહ્યું હતું કે એક કલાક વહેલા જવાને કારણે તમારી જોબને પાર્ટ ટાઇમ તરીકે ગણવામાં આવશે. એલિસે નોકરી છોડી દીધી હતી.
એલિસ થોમ્પસને એમ્પ્લોયમેન્ટ ટ્રીબ્યુનલમાં ફરિયાદ કરી હતી. એલિસે કંપની પર લિંગ ભેદભાવનો આરોપ લગાવીને કહ્યયું હતું કે પોતે એવું નથી ઇચ્છતી કે જે પોતે ભોગવવું પડ્યું તે પુત્રીએ પણ આગળ જતા ભોગવવું પડે. ટ્રીબ્યુનલે એલિસની દલીલ માન્ય રાખીને મનોર્સ એસ્ટેટ કંપનીનું વલણ ગેર જિમ્મેદાર બતાવીને કંપનીને 1.81,00 પાઉન્ડ અંદાજે 2 કરોડ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ કરતા કહ્યું હતુ કે ચાઇલ્ડ કેર સેન્ટર 5 વાગ્યે બંધ થઇ જાય છે એવા સંજોગોમાં એક માને 6 વાગ્યા સુધી કામ કરવાની ફરજ પાડવી પુરી રીતે ખોટી વાત છે.