આખા દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ખાસ કરીને પેટ્રોલ ડિઝલના ભાવોએ તો લોકોની દિવાળી બગાડી દીધી છે. જોકે, હાલમાં જ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપના ખરાબ પ્રદર્શન પછી અચાનક કેન્દ્ર સરકારે ભાવો ઘટાડવા પડ્યા છે છતાં હજુ એટલા ઓછા પણ નથી થયા કે બહુ ખુશ થઇ જવાય. જોકે, દેશના એક રાજ્યના લોકોએ આનો તોડ શોધી લીધો છે. તેઓ નજીકના બીજા દેશમાં જઇને પેટ્રોલ ડિઝલ ભરાવી આવે છે.
અહીં વાત છે બિહાર અને નેપાળની બોર્ડર પર આવેલા ગામોની. ત્યાંના લોકો નેપાળ જઇને પેટ્રોલ ડિઝલ પુરાવી રહ્યા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના કેટલાક ગામો પણ નેપાળની સીમાથી જોડાયેલા છે. ત્યાંના લોકો પણ ફાયદો ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નેપાળ જવા માટે ભારતીયોને વીઝાની જરૂર પડતી નથી. તેઓ સીધા જ ત્યાં પ્રવેશ કરી શકે છે એટલે તેઓ પેટ્રોલ-ડિઝલ ભરાવવા માટે ત્યાં પહોંચી જાય ચે. ત્યાં ભાવો ખૂબ ઓછા છે.
નેપાળની સીમા પર આવેલા બિહારના રક્સોલમાં પેટ્રોલનો ભાવ ૧૦૭ રૂપિયા ૯૨ પૈસા છે. જ્યારે ડિઝલનો ભાવ ૯૨ રૂપિયા ૯૮ પૈસા છે. આ ભાવો કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સ ઘટાડ્યા પછીના છે. જો બિહારની તુલનામાં જોઇએ તો નેપાળમાં આજે પણ પેટ્રોલ ૨૫ રૂપિયા ૧૭ પૈસા અને ડિઝલ ૨૦ રૂપિયા ૯૫ પૈસા સસ્તું છે. આ કારણે જ લોકો ત્યાં જઇને પેટ્રોલ-ડિઝલ પુરાવી રહ્યા છે.