શક્તિની આરાધના અને ભક્તિનો મહા પર્વ નવરાત્રિ ચાલી રહી છે. આજે ચોથો દિવસ શરૂ થતાની સાથે જ હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની જાહેરાત કરતા ગરબા પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે હવામાન વિભાગે ચોમાસાની વિદાયને લઈને સત્તાવાર જાહેરાત કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું કચ્છમાંથી ડીસા તરફ રવાના થયું છે. જો કે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું પસાર થતાં હજુ સમય લાગશે. આગામી પાંચ દિવસમાં ભેજવાળા વાતાવરણને કારણે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ હવામાન વિભાગના નિયામક ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી.
તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની કોઈ શક્યતા નથી. હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગઈકાલે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાતમાં સુરત, અમરેલી, બોટાદ, ભરૂચ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજુલાના છતડીયા કડીયાળી, હિંડોરણા વડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે ચોમાસુ પાકને નુકસાન થયું છે.
જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા. સુરતના કામરેજ અને આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. એક તરફ સુરતમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નવરાત્રિનું આયોજન કરી રહેલા લોકો પર પણ ભારે વરસાદની દહેશતથી ચિંતાના વાદળો ઘેરાયા છે.
આ સાથે ભરૂચ શહેરના કોલેજ રોડ, શક્તિનાથ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં ત્રીજા દિવસે વરસાદના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો મુંઝવણમાં મુકાયા હતા. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. વાઘોડિયા રોડ અને સોમા તળાવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.