ભૂકંપમાં ધ્વસ્ત થયા પછી ફરી ઉભું થયું કચ્છનું આ ગામ, વર્ષે કમાય છે 2 કરોડ

Uncategorized

ગુજરાતના વિકાસની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે પરંતુ આજે એક એવા ગામની વાત કરવી છે કે, જે ગામ ભૂકંપમાં ધ્વસ્ત થયા પછી ફરીથી બેઠું થયું અને અત્યારે આ ગામ વર્ષે બે કરોડ રૂપિયાની કમાણી કરે છે તો સાથે જ ગામમાં ઘણા પશુઓ છે પરંતુ ગંદકી નથી અને 25000 કરતાં વધારે વૃક્ષો આ ગામમાં આવેલા છે. આ ગામમાં જેટલી વસ્તી છે તેના કરતાં ત્રણ ગણા વૃક્ષો લોકોએ વાવ્યા છે અને આ ગામનું નામ છે ભીમાસર ગામ અને તે આવેલું છે પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં.

રિપોર્ટ અનુસાર પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં આવેલું ભીમાસર ગામ અત્યારે આધુનિક સુવિધા ધરાવતું ગામ કહેવાય છે. અહીંના લોકોની જાગૃતતાના કારણે ગામ ખૂબ જ સ્વચ્છ રહે છે અને વાતાવરણ પણ ખુબજ શુદ્ધ રહે છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપના કારણે ભીમાસર ગામ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. 2001માં આવેલા ભૂકંપના કારણે અનેક ગામડાઓ ધ્વસ્ત થઈ ગયા હતા. તેથી સરકાર દ્વારા ગામડાઓને બેઠા કરવા માટે પાંચ પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી કચ્છના ભીમાસર ગામને પેકેજ નંબર 5ની યોજનાના લાભથી ઊભું કરવામાં આવ્યું છે અને અત્યારે આ ગામ કચ્છ જિલ્લાનું ખૂબ જ સુંદર અને આધુનિક ગામ બન્યું છે.


ભીમાસર ગામને બેઠું કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 11 કરોડ સહારા ઇન્ડિયા ગ્રુપ દ્વારા અને 11 કરોડની મદદ કરવામાં આવી છે. 22 કરોડના ખર્ચે ગામડામાં 842 મકાનો બનાવવામાં આવ્યા હતા અને 2004માં આ મકાનો લોકોને આપવામાં આવ્યા હતા. અત્યારે ભીમાસર ગામ અંજારનું અનોખું ગામ છે કારણ કે, ગામમાં ખૂબ જ પહોળા રસ્તાઓ છે અને આ રસ્તાની બંને સાઇડ લીલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ગામની અંદર 8 હજારની વસ્તી છે છતાં પણ 6 કોમ્યુનિટી સેન્ટર બનાવવામાં આવ્યા છે અને CCTV કેમેરાનું નેટવર્ક પણ ઊભું કરવામાં આવ્યું છે.

બીજી તરફ ગામની અંદર રસ્તાઓ પહોળા છે અને ગામની સલામતી માટે CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. તેનું મોનિટરિંગ પંચાયત કચેરીમાંથી કરવામાં આવે છે. ગામની અંદર સુએજ લાઇન અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ છે. ગામની અંદર શાળા અને લોકોને આત્મનિર્ભર બનાવવા માટે તાલીમ કેન્દ્ર પણ છે. તો બીજી તરફ લોકોના મનોરંજન માટે બાગ બગીચા બનાવવામાં આવ્યા છે. તો ગામના લોકોને પાણી અને વીજળીની સુવિધા 24 કલાક આપવામાં આવે છે. ભૂકંપ બાદ રાજ્ય સરકારની કર રાહત યોજના હેઠળ ગામની આસપાસ ઘણી ખાદ્ય તેલ રિફાઇનરી આવેલી છે અને ગ્રામ પંચાયત આ રિફાઇનરીઓ સાથે અને અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે વાર્ષિક 2 કરોડની કમાણી કરે છે. હાલ ગામમાં ચાર રિફાઇનરી આવેલી છે.


ગામમાં પ્રદૂષણની સમસ્યા ન સર્જાય એટલા માટે 25000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વૃક્ષોને પાણી પાવા માટે ઓટોમેટિક ટપક સિંચાઈ પદ્ધતિની વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 7થી લઈને 9 વાગ્યા સુધી વૃક્ષોને પાણી આપવામાં આવે છે. આ ગામમાં 8 હજારની વસતી છે અને ગામના લોકો પશુપાલન અને પરિવહન ક્ષેત્ર સાથે સંકડાયેલા છે. બીજી તરફ ગામમાં 3000 જેટલા પરપ્રાંતિય મજૂરોનો પણ સમાવેશ થાય છે. કચ્છમાં બે ભીમાસર ગામ હોવાના કારણે આ ભીમાસર ગામ ચકાસર ગામથી પણ ઓળખાય છે. ગામમાં 800 જેટલા લોકો ખેતી સાથે સંકડાયેલા છે જેમાંથી 30 જેટલા ખેડૂતો નર્મદાના પાણીનો ઉપયોગ કરી ખેતી કરે છે. તો બીજી તરફ પીવાના પાણી માટે પણ ગામને નર્મદાની પાઇપલાઇન આપવામાં આવી છે. ગામમાં એક સમયે ઘાસની અછત સર્જાતા એક વર્ષ પહેલા ગામના સત્તાધીશો દ્વારા ગામમાં ઘાસનું મેદાન પણ બનાવવામાં આવ્યું છે. ભીમાસર ગામની અંદર 1100 ગાય સહિત 5 હજાર જેટલા પશુધન છે પરંતુ અન્ય ગામોની જેમ આ ગામમાં ગૌચર જમીન પર કોઈપણ પ્રકારનું અતિક્રમણ થયું નથી. આટલા બધા પશુ હોવા છતાં પણ કોઈ પણ જગ્યા પર ગંદકી દેખાતી નથી અને ગ્રામજનો પોતાની શિસ્ત અને જાગૃતિથી ઘરના આંગણાને ચોખ્ખું રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *