ગુજરાતમાં ૨૦૨૨માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો દાવો છે કે અમે ૧૮૨ બેઠકો જીતી જઇશું પરંતુ પાર્ટીએ ૧૫૦નો ટારગેટ નક્કી કર્યો છે અને તે પ્રમાણે કામગીરી શરૂ કરવાના આદેશ કર્યા છે.
પ્રથમવાર ભાજપે એવું નક્કી કર્યું છે કે માઇનસ બુથ પર વધારે પ્રભાવથી કામ કરવું, એટલે કે ભાજપે ૨૦૧૭માં જે બેઠક ગુમાવી છે તે પાછી મેળવવા માટે માઇક્રોપ્લાનિંગ શરૂ કર્યું છે. પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લા એકમોને આદેશ કરી દેવામાં આવ્યા છે કે આપણે જે બેઠકો ગુમાવી છે તે ૨૦૨૨ની ચૂંટણીમાં જીતવી પડશે. જો આ બેઠકો મેળવી શકીશું તો ૧૫૦પ્લસ બેઠકો જીતવાનો ટારગેટ પૂર્ણ કરી શકાશે.
પાર્ટીના ટોચના સૂત્રોએ કહ્યું હતું કે ૨૦૧૭ ની જેમ ૨૦૨૨ ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો હશે. તેમના નામે બેઠકો જીતવાનો પ્રયાસ કરાશે. આ ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાવાની છે અને સીઆર પાટીલ માટે આ એક પહેલી ચૂંટણી છે કે જેમાં તેમણે તેમનો પાવર બતાવવાનો છે.
સીઆર પાટીલે તો ગુજરાતમાં વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો જીતવાનો દાવો કર્યો છે પરંતુ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે. નરેન્દ્ર મોદી પણ આ રેકોર્ડ તોડી શક્યા નથી. પાટીલના હવાઇ કિલ્લા સામે પ્રદેશના ટોચના નેતાઓએ ૧૫૦ બેઠકોનો ટારગેટ રાખ્યો છે. આ માટે હારેલી બેઠક પર જીતવા માટે જે કોઇ સ્ટેટેજી અપનાવવી પડે તે અપનાવવા તેઓ તૈયાર છે.
માઇનસ બુથનું માઇક્રોપ્લાનિંગ, નરેન્દ્ર મોદીનો ચહેરો અને ચૂંટણી જીતી શકે તેવા કોંગ્રેસના હાલના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ આપવો –એ ત્રણ પાંખની મદદથી ભાજપ ચૂંટણી જીતવા માગે છે. પાર્ટીના આ ત્રિપાંખિયા વ્યૂહમાં ઉમેદવારોની પસંદગી પણ મહત્વ ધરાવે છે.
ભલામણથી ઉમેદવાર નહીં પણ માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા પાર્ટીએ સ્ટેટેજી બનાવી છે. આવા ઉમેદવારો શોધવા માટે પાર્ટીએ કોંગ્રેસ તરફ નજર દોડાવવી પડશે, કેમ કે કોંગ્રેસને ૨૦૧૭ માં જે ૭૭ બેઠકો મળી હતી તે બેઠકો ભાજપ મેળવવાનો અથાગ પ્રયાસ કરશે અને તેના માટે કોંગ્રેસના શક્તિશાળી ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ કરાવી ટીકીટ આપશે.
ભાજપના સૂત્રોએ કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે, ભાજપને સ્થાનિક સ્વરાજ્યની મિની વિધાનસભા જેવી ચૂંટણીમાં પેજ કમિટી, પેજ પ્રમુખના આયામના ધાર્યા પરિણામ મળ્યા છે. હાલ પાર્ટી પાસે ૬૦ લાખથી વધુ પેજ પ્રમુખની યાદી તૈયાર છે. હજી 20 લાખ પેજ પ્રમુખ બનાવવામાં આવશે અને તેમનો ચૂંટણીના કાર્યમાં ઉપયોગ કરાશે.
આ ચૂંટણીમાં ભાજપને કોઇપણ ભોગે ૧૫૦ થી વધારે બેઠકો જોઇએ છે તેથી બમણી તાકાતથી વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સામનો કરવાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ વખતે આ ત્રણેય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.