દિવસ- રાત અને મહિનાઓની મહેનત પછી જયારે પરીક્ષાર્થીઓ UP TETની પરીક્ષા આપવા પહોંચ્યા તો પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ થઇ પણ તેને કારણે 21 લાખ પરીક્ષાર્થીની મહેનત એળે ગઇ હતી. હવે એક મહિનાની અંદર પરીક્ષા ફરી લેવામાં આવશે.
ઉત્તર પ્રદેશ Teacher Eligibility Test ૨૦૨૧ રદ કરવામાં આવી છે. પેપર લીક થયા પછી અચાનક પેપર રદ કરી દેવામાં આવ્યું, જેને કારણે 21 લાખથી વધારે પરીઆર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. કેટલાક પરીક્ષાર્થીઓએ તો સેન્ટરની બહાર, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશને રાત પસાર કરીને પેપર આપવા પહોંચ્યા હતા, પરંતુ હજુ તો લખવાનું શરૂ કર્યું હતું ત્યાંજ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પેપર લીંક થવાના કેસમાં યૂપી એસટીએફએ ૨૩ લોકોની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે.
જાણવા મળેલી માહિતી મુજબ પરીક્ષાના પેપર મથુરા, ગાજિયાબાદ અને બુલંદશહેરના વ્હોટસએપ ગ્રુપ પર વાયરલ કરવામાં આવ્યા હતા. જેવું પેપર લીક થયાનું જાણમાં આવ્યું કે તરત જ પરીક્ષા રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. જાણવા મળેલી માહિતી મુજબ પોલીસે મેરઠમાંથી પહેલાં 3ની ધરપકડ કરી હતી અને અન્ય જગ્યાએ દરોડા પાડીને ૨૩ જેટલાં શંકાસ્પદોને પકડી લીધા છે.